Loading Please Wait !!!
વડોદરા વોર્ડ નં-19 ગ્રાઉન્ડ રિપોર્ટ: "સ્માર્ટ સિટી"ના નામે નેતાઓના ખિસ્સા ભરાયા, જનતા નર્ક જેવી સ્થિતિમાં!

ડમ્પિંગ સાઈટની દુર્ગંધ અને ઉભરાતી ગટરોથી 50 સોસાયટીઓ ત્રાહિમામ - વિકાસના દાવાઓ વચ્ચે રસ્તાઓ બિસ્માર

ઇન્દિરા નગરમાં પીવાનું પાણી નથી, લોકો પૈસા ખર્ચી બોટલ મંગાવવા મજબૂર - નેતાઓ ચૂંટણી ટાણે પણ ગુમ

ખુલ્લા વાયરો અને નીચા નમેલા થાંભલાઓથી મોતનો ભય - કરંટ લાગવાથી બાળક માંડ બચ્યું, તંત્ર હજુ પણ ઊંઘમાં

વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે શહેરના વોર્ડ નંબર 19 માં વિકાસની પોકળ વાતો સામે આવી છે. 'ભાસ્કર'ની ટીમે જ્યારે તરસાલી, મકરપુરા અને વડદલા વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો ત્યારે સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે જનતા નર્કાગાર જેવી સ્થિતિમાં જીવતી જોવા મળી હતી. તરસાલી અને જામ્બુવા બ્રિજ વચ્ચે આવેલી ડમ્પિંગ સાઈટ પર આખા શહેરનો કચરો ઠાલવવામાં આવતા આસપાસની 50 જેટલી સોસાયટીઓ દુર્ગંધના સામ્રાજ્ય નીચે દબાઈ ગઈ છે. સ્થાનિકો તો ઠીક, પણ હાઈવે પરની હોટલોમાં લોકો જમવા આવતા ન હોવાથી વેપારીઓના ધંધા પણ ઠપ થઈ ગયા છે.

વોર્ડના ઇન્દિરા નગર વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર છે. અહીંના રહીશો નિયમિત વેરો ભરે છે છતાં તેમને પીવાનું પાણી મળતું નથી. સ્થાનિક મહિલા હીરાબેને વ્યથા ઠાલવતા કહ્યું કે, "અમે ઘરે દીઠ 3000 રૂપિયા ઉઘરાવીને આપ્યા હોવા છતાં પાઈપલાઈન નાખવામાં આવી નથી, અમારે પૈસા ખર્ચીને પાણીની બોટલો મંગાવવી પડે છે." રસ્તાઓ એટલા ઉબડખાબડ છે કે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડની ગાડી અંદર પ્રવેશી શકતી નથી. સીનિયર સિટીઝનો અવારનવાર ઠોકર ખાઈને પડી જાય છે, છતાં કોઈ નેતા અહીં ડોકાવા પણ તૈયાર નથી.

વીજળીની સમસ્યા પણ અહીં મોતને આમંત્રણ આપી રહી છે. સોનલબેન જોષી નામના મહિલાએ જણાવ્યું કે, વીજ થાંભલા એટલા નીચા છે અને વાયરો ખુલ્લા છે કે ગમે ત્યારે હોનારત સર્જાઈ શકે છે. તાજેતરમાં જ એક નાના બાળકને ખુલ્લા વાયરથી કરંટ લાગ્યો હતો, જેનો જીવ માંડ બચ્યો હતો. આ વિસ્તાર સાંસદ હેમાંગ જોશી અને ધારાસભ્ય યોગેશ પટેલનો હોવા છતાં છેલ્લા 30 વર્ષથી અહીં કોઈ નક્કર કામગીરી થઈ નથી તેવું સ્થાનિક અગ્રણી રાકેશ પાટીલે આક્ષેપ સાથે જણાવ્યું હતું.

શહેરમાં નવા ભળેલા વડદલા ગામની સ્થિતિ પણ 'ગામડા કરતા પણ ખરાબ' હોવાનું સામે આવ્યું છે. તીર્થ એક્ઝોટિકા સોસાયટીના રહીશોના મતે, તેમને માત્ર ટેક્સ વસૂલવા માટે જ શહેરમાં ભેળવવામાં આવ્યા છે. અહીં નવી પાણીની ટાંકી બનીને તૈયાર છે પણ કનેક્શન મળતા નથી. સ્ટ્રીટ લાઈટના અભાવે રાત્રે અંધારપટ છવાયેલો રહે છે, જેના કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. બિલ્ડરો અને તંત્રના વાયદાઓ વચ્ચે પ્રજા પિસાઈ રહી છે.

ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે, પરંતુ વોર્ડ નંબર 19 ની જનતા આ વખતે 'કામ નહીં તો મત નહીં' ના મૂડમાં હોય તેવું જણાય છે. ગટરના ઉભરાતા પાણી, મચ્છરોનો ઉપદ્રવ અને પાયાની સુવિધાઓનો અભાવ આ વિસ્તારની ઓળખ બની ગયા છે. હવે જોવાનું એ રહેશે કે સ્માર્ટ સિટીના સ્વપ્ના બતાવનાર નેતાઓ આ ગ્રાઉન્ડ ઝીરોની વાસ્તવિકતા સામે કેવી રીતે પ્રતિભાવ આપે છે અને જનતાના આક્રોશને કેવી રીતે શાંત પાડે છે.