Loading Please Wait !!!
વડોદરાના નિવૃત્ત GM સાથે 1 કરોડની સાયબર ઠગાઈ: શેરબજારના નામે લૂંટાયા

  • સેબીના બોગસ દસ્તાવેજો બતાવી વિશ્વાસ જીત્યો, પ્રોફિટ દેખાયો પણ હાથમાં એક રૂપિયો ન આવ્યો

 

  • વોટ્સએપ ગ્રુપમાં એડ કરી ઠગોએ જાળ બિછાવી, સાયબર ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.

  •  ઇન્વેસ્ટમેન્ટ એપમાં નફો બતાવી ઠગોએ 1 કરોડ પડાવ્યા, વધુ રકમ માંગતા ભાંડો ફૂટ્યો.

    વડોદરા: શહેરના હરણી વિસ્તારમાં રહેતા એક 63 વર્ષીય સિનિયર સિટીઝન સાયબર ઠગોની જાળમાં ફસાઈને પોતાની જીવનભરની કમાણીના 1 કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શેરબજારમાં રોકાણ કરી ટૂંકા ગાળામાં મોટો નફો મેળવવાની લાલચ આપી સાયબર માફિયાઓએ આ નિવૃત્ત અધિકારીને સેબીના બનાવટી દસ્તાવેજો મોકલી વિશ્વાસમાં લીધા હતા. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

    ફરિયાદની વિગત મુજબ, દહેજની એક ખાનગી કંપનીમાં એડિશનલ જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થયેલા ફરિયાદીને નવેમ્બર 2025માં “A203 ARES TREND” નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં શેરબજારમાં રોકાણ અંગેની આકર્ષક વાતો કરવામાં આવતી હતી. ત્યારબાદ તેમને અન્ય વીઆઈપી ગ્રુપ્સમાં ઉમેરીને એડમિન દ્વારા રોકાણ માટે માર્ગદર્શન આપવાનું નાટક રચાયું હતું. ઠગોએ તેમને https://aresdiversified.com નામની લિંક મોકલી તેના પર રજીસ્ટ્રેશન અને કેવાયસી કરાવ્યું હતું.

    સિનિયર સિટીઝનને વિશ્વાસ અપાવવા માટે ઠગોએ સેબી (SEBI) રજીસ્ટર્ડ હોવાનું ખોટું પ્રમાણપત્ર પણ મોકલ્યું હતું. આ દસ્તાવેજ જોઈને ફરિયાદીએ વિશ્વાસ કર્યો અને 18 નવેમ્બરથી 9 ડિસેમ્બર 2025 દરમિયાન અલગ-અલગ તબક્કે કુલ 1 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ તમામ રકમ ઠગોએ વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી હતી. વેબસાઇટ પરના પોર્ટલ પર ફરિયાદીના ખાતામાં નફા સાથે કુલ 1,53,95,793 રૂપિયા બેલેન્સ દેખાતું હતું, જેને જોઈ ફરિયાદીને પોતે સાચું રોકાણ કર્યું હોવાનો ભ્રમ રહ્યો હતો.

    જોકે, છેતરપિંડીનો અહેસાસ ત્યારે થયો જ્યારે ફરિયાદીએ આ નફાની રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો. સાયબર ઠગોએ રકમ રિલીઝ કરવાના બદલે અલગ-અલગ ટેક્સ અને ફીના બહાને વધુ રોકાણ કરવા દબાણ કરવાનું શરૂ કર્યું હતું. વારંવાર નાણાંની માંગણી થતા ફરિયાદીને શંકા ગઈ અને તપાસ કરતા પોતે ઠગાયા હોવાનું માલૂમ પડ્યું હતું. તેમણે તુરંત સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરી પોતાની અરજી નોંધાવી હતી.

    વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે આઈટી એક્ટ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અત્યારે જે બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થયા છે તેની વિગતો મેળવી રહી છે. સાયબર એક્સપર્ટ્સ લોકોને અપીલ કરી રહ્યા છે કે, વોટ્સએપ કે ટેલિગ્રામ ગ્રુપ દ્વારા મળતી શેરબજારની ટિપ્સ અને અજાણી લિંક્સ પર વિશ્વાસ કરી ક્યારેય મોટું રોકાણ ન કરવું, કારણ કે આવી વેબસાઇટ્સ પર દેખાતો નફો માત્ર આંકડાકીય માયાજાળ હોય છે.