Loading Please Wait !!!
વડોદરાના અલકાપુરીમાં પાલિકાનું બુલડોઝર ફર્યું, ગેરકાયદે બાંધકામોનો સફાયો

  • માર્જિનની જગ્યામાં 2 માળ ખડકી દેનાર વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો
  • કોર્પોરેશનની ટીમ અને જ્વેલર્સના વેપારી વચ્ચે કામગીરી દરમિયાન થઈ રકઝક
  • પોલીસ બંદોબસ્ત વચ્ચે 2 દુકાનોના ગેરકાયદેસર દબાણોનો કરાયો સફાયો

સિટી ન્યુઝ @ વડોદરા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના પોશ ગણાતા અલકાપુરી વિસ્તારમાં કોન્કર્ડ બિલ્ડિંગ સામે આવેલા શ્રીમ શાલીની મોલમાં ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. કોર્પોરેશનના ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા આ મોલમાં આવેલી દુકાનોના ગેરકાયદે દબાણો અને બાંધકામો દૂર કરવા માટે જેસીબી સાથે ધામા નાખવામાં આવતા અન્ય વેપારીઓમાં પણ ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, આ મોલમાં આવેલી 1 જ્વેલર્સની દુકાનના વેપારી દ્વારા દાદાગીરીપૂર્વક દુકાનની આગળ આશરે 10 ફૂટ જેટલો ઓટલો બનાવી દેવામાં આવ્યો હતો. આ ઓટલો બનાવીને વેપારીએ દુકાનનો ભાગ નિયમો નેવે મૂકીને છેક બહાર સુધી લંબાવ્યો હતો. ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા આ 10 ફૂટના ગેરકાયદે દબાણને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન વેપારી અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે સામાન્ય રકઝક પણ જોવા મળી હતી.

આ ઉપરાંત, મોલમાં જ આવેલી 1 કપડાની દુકાન દ્વારા માર્જિનની જગ્યા પચાવી પાડીને તેમાં 2 માળ સુધીનું ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. દબાણ શાખા દ્વારા 2 દુકાનોમાં થયેલા આ નિયમવિરોધી બાંધકામોને જેસીબીની મદદથી જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનની આ આક્રમક કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અકોટા પોલીસ સ્ટેશનનો મોટો સ્ટાફ ચુસ્ત બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવ્યો હતો.

માર્જિનની જગ્યા પચાવી પાડતા વેપારીઓ માટે લાલબત્તી

મોલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં વેપારીઓ દ્વારા માર્જિનની જગ્યા પર ગેરકાયદેસર કબ્જો જમાવી દેવો એ હવે સામાન્ય બની ગયું છે. વડોદરા કોર્પોરેશનની શ્રીમ શાલીની મોલમાં થયેલી આ કડક કાર્યવાહી અન્ય દબાણકર્તાઓ માટે 1 મોટી લાલબત્તી સમાન છે. તંત્ર આવી જ રીતે સઘન ચેકિંગ ચાલુ રાખશે, તો પાર્કિંગ અને માર્જિનની જગ્યામાં થતા અનધિકૃત દબાણો પર ચોક્કસથી કાયમી અંકુશ લાવી શકાશે.