વડોદરામાં ‘ચૂંટણી’ના બહાને વહીવટીતંત્ર ઠપ્પ: સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રિન્યુ ન થતા કરોડોના દસ્તાવેજો અટવાયા
-
વકીલ કમલ પંડ્યાનો CMને પત્ર: "કલેક્ટર સુનાવણી કરી શકતા હોય તો નાયબ કલેક્ટરને કામમાં કેમ આળસ?"
-
ચૂંટણી ફરજનું બહાનું કાઢી રૂટીન કામગીરી અટકાવી; ઉનાળુ વેકેશન પૂર્વે પ્રક્રિયા પૂર્ણ કરવા માંગ
-
વહીવટી તંત્રની બેદરકારીથી સામાન્ય નાગરિકો હેરાન; ટ્રેઝરી વિભાગને વૈકલ્પિક સૂચના આપવા CMને વિનંતી
વડોદરા શહેરમાં ચૂંટણીની વ્યસ્તતા વચ્ચે વહીવટી તંત્ર દ્વારા રૂટીન કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રિન્યુ ન થવાને કારણે હાલમાં કરોડો રૂપિયાના પ્રોપર્ટી દસ્તાવેજો અને કાયદાકીય એફિડેવિટની પ્રક્રિયાઓ અટવાઈ ગઈ છે. આ મામલે વડોદરાના જાણીતા વકીલ કમલ પંડ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તાત્કાલિક દખલગીરી કરવા માંગ કરી છે.
ચૂંટણીનું બહાનું અને અધિકારીઓની નિષ્ક્રિયતા સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ માસમાં સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રિન્યુ કરવાની પ્રક્રિયા નાયબ કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે સ્ટેમ્પ વેન્ડરોએ સમયસર અરજીઓ કરી હોવા છતાં, અધિકારીઓ 'ચૂંટણીના કામમાં વ્યસ્ત છીએ' તેવું બહાનું કાઢી રહ્યા છે. વકીલ કમલ પંડ્યાએ પત્રમાં સવાલ ઉઠાવ્યો છે કે, જો કલેક્ટર પોતે રૂટીન કેસોની સુનાવણી અને વહીવટી કામો કરી શકતા હોય, તો નાયબ કલેક્ટરને લાયસન્સ રિન્યુ કરવામાં કયો અવરોધ નડી રહ્યો છે?
વેકેશન પૂર્વે નિકાલ જરૂરી પત્રમાં એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે કે જો આગામી ૫ થી ૭ દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય, તો કોર્ટોમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ જશે. આ સંજોગોમાં સામાન્ય નાગરિકોએ સ્ટેમ્પ પેપર મેળવવા માટે વધુ એક મહિના સુધી રાહ જોવી પડશે, જેની સીધી અસર અર્થતંત્ર અને ન્યાયિક પ્રક્રિયા પર પડશે. વકીલ કમલ પંડ્યાએ સૂચન કર્યું છે કે જ્યાં સુધી લાયસન્સ રિન્યુ ન થાય ત્યાં સુધી ટ્રેઝરી વિભાગને જૂના વેન્ડરોને કામચલાઉ ધોરણે સ્ટેમ્પ આપવા માટે સૂચના આપવામાં આવે.