"વડોદરામાં કાર ચાલકનો આતંક: ભરચક બજારમાં 5 વાહનોને ઉડાવ્યા, 4 ઘાયલ"
- ન્યાય મંદિરથી પાણીગેટ સુધી મોતના ફેરા - લોકોએ કાચ તોડી કાર રોકવા કર્યો પ્રયાસ
- આરોપી ધ્રુવ પટેલની ધરપકડ - તહેવારોની ભીડ વચ્ચે કાર ચાલકે મચાવ્યો કેર.
- સીસીટીવીમાં કેદ થયો લાઇવ આતંક - પોલીસે કાળા કલરની કાર સાથે ચાલકને દબોચ્યો.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર બેફામ કાર ચાલકે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. શહેરના વ્યસ્ત ગણાતા ન્યાય મંદિરથી પાણીગેટ સુધીના એમજી રોડ પર ગઈકાલે રાત્રે એક કાળા કલરની કારના ચાલકે આતંક મચાવ્યો હતો. તહેવારોની મોસમ હોવાથી બજારમાં ખરીદી માટે નીકળેલા લોકોમાં આ ગાડીની રફ્તાર જોઈને ભાગદોડ મચી ગઈ હતી. કાર ચાલકે પૂરઝડપે ગાડી હંકારીને રસ્તામાં આવતા 4 થી 5 વાહનોને જોરદાર ટક્કર મારી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, પાણીગેટ વિસ્તારમાં સૌરાષ્ટ્ર મેડિકલ સ્ટોર પાસે જ્યારે આ કાર પસાર થઈ ત્યારે લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક લોકોએ ગાડીના કાચ તોડીને ચાલકને બહાર ખેંચવાની કોશિશ કરી, પરંતુ ચાલકે ઊભા રહેવાને બદલે ગાડી ભગાવી મૂકી હતી. આ દરમિયાન તેણે સામેથી આવતા એક એક્ટિવા સવાર મહિલા અને અન્ય 3 થી 4 લોકોને અડફેટે લીધા હતા, જેઓ રસ્તા પર ફંગોળાયા હતા. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ સિટી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ વીડિયોના આધારે પોલીસે કાળા કલરની કારના નંબર શોધી કાઢ્યા હતા. આ મામલે પોલીસે સયાજીપુરા વિસ્તારમાં રહેતા 29 વર્ષીય ધ્રુવકુમાર હર્ષદભાઈ પટેલની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને લોકોના જીવ જોખમમાં મૂકવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સ્થાનિક રહીશોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે ભરચક બજારમાં આ પ્રકારે પૂરઝડપે ગાડી ચલાવવી એ કોઈ મોટી દુર્ઘટનાને નિમંત્રણ આપવા જેવું છે. વડોદરામાં અવારનવાર બનતા આવા અકસ્માતોને રોકવા માટે ટ્રાફિક પોલીસ અને તંત્ર કડક ડ્રાઈવ ચલાવે તેવી લોકમાંગ ઉઠી છે. હાલમાં પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે કે અકસ્માત સમયે તે નશાની હાલતમાં હતો કે કેમ.