Loading Please Wait !!!
વડોદરામાં નિર્માણાધિન કેન્સર હોસ્પિટલમાં ભીષણ આગથી ભારે અફરાતફરી

  • ખિસકોલી સર્કલ પાસે કચરા અને ફોર્મ મટિરિયલમાં આગ લાગતા સ્થાનિકોમાં દહેશત
  • વેલકેર હોસ્પિટલ નજીક લાગેલી આગ પર ફાયર બ્રિગેડે 1 કલાકની જહેમત બાદ મેળવ્યો કાબૂ
  • નવી બિલ્ડિંગના બેઝમેન્ટમાં રાખેલા સામાનમાં અચાનક આગ ફાટી નીકળતા તંત્ર દોડતું થયું

સિટી ન્યુઝ @ વડોદરા

વડોદરા શહેરના પોશ ગણાતા ખિસકોલી સર્કલ પાસે આવેલી વેલકેર હોસ્પિટલની બાજુમાં એક મોટી આગની દુર્ઘટના સામે આવી છે. અહીં એક નવી નિર્માણાધીન બિલ્ડિંગ કે જેમાં કેન્સર હોસ્પિટલ બની રહી છે, તેના નીચેના ભાગમાં એકઠા થયેલા કચરા અને મટિરિયલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. આ ભયાનક બનાવને પગલે બાજુમાં જ આવેલી ચાલુ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને ત્યાંના મેડિકલ સ્ટાફના જીવ અધ્ધર થઈ ગયા હતા.

આ ભયાનક આગના બનાવ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગને જાણ કરાતાં તાત્કાલિક જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં તાત્કાલિક ધોરણે વાસણા ફાયર સ્ટેશનની બીજી ટીમને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. બિલ્ડિંગમાં અંદર પીઓપીની કામગીરી માટે મોટા પ્રમાણમાં ફોર્મ અને અન્ય કેમિકલ યુક્ત સામગ્રી રાખવામાં આવી હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી, જેને ઓલવવામાં ફાયર ફાઇટર્સને ભારે મુશ્કેલી પડી હતી.

જીઆઈડીસી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર જયદાન બારહટે જણાવ્યું હતું કે, બિલ્ડિંગ નવી નિર્માણાધિન હોવાથી અંદર કોઈ લોકો હાજર નહોતા જેથી એક મોટી જાનહાનિ ટળી છે. આ મટીરીયલ ફોર્મ હોવાને કારણે આગ વધુ ઝડપે પ્રસરી હતી. બંને ફાયર સ્ટેશનની ટીમોએ સતત 1 કલાકની ભારે જહેમત અને પાણીના પ્રચંડ છંટકાવ બાદ આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. હાલમાં આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

બે ફાયર સ્ટેશનોએ સંભાળ્યો મોરચો

નવી કેન્સર હોસ્પિટલના કેમ્પસમાં લાગેલી આગ ખૂબ જ વિકરાળ હતી. ઘટનાની ગંભીરતા જોઈને જીઆઈડીસી અને વાસણા ફાયર સ્ટેશનની ટીમો બોલાવાઈ હતી. ફાયર ફાઇટર્સે સતત 1 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ શાંત કરી હતી. સદનસીબે આ સમગ્ર અકસ્માતમાં કોઈ નાગરિક કે દર્દી ઈજાગ્રસ્ત થયું નથી.