વડોદરા ડુપ્લીકેટ PSI કેસમાં મોટો ધડાકો: ખાખીના જોરે આચર્યું લોન કૌભાંડ, મોબિન બાદ હવે ભાઈ મોહસીન જેલના સળિયા પાછળ!
વિકલાંગ વ્યક્તિના નામે કાર છોડાવી વેચી દીધી – એસ.ઓ.જી.ની તપાસમાં વાહન લોન કૌભાંડનો પર્દાફાશ
બીજાના ડોક્યુમેન્ટ પર પોતાનો ફોટો લગાવી લોન મેળવી – એસઆઈટીના ડુપ્લીકેટ કાર્ડ બાદ હવે ટ્રસ્ટના હિસાબોમાં પણ લોચા.
તાંદલજાના બંગલામાંથી વોન્ટેડ મોહસીન ઝડપાયો – લોનના હપ્તા ન ભરી બેંકો સાથે કરી છેતરપિંડી.
વડોદરામાં નકલી પીએસઆઈ બનીને પકડાયેલા મોબિન સોદાગરના કેસમાં પોલીસને એક પછી એક મોટી સફળતા મળી રહી છે. એસ.ઓ.જી. (SOG) ની ઊંડી તપાસમાં હવે માત્ર નકલી પોલીસ જ નહીં, પરંતુ એક સુનિયોજિત લોન કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં મોબિનને સાથ આપનાર તેના સગા ભાઈ મોહસીન સોદાગરની પોલીસે તાંદલજાના અલ કબીર બંગ્લોઝ ખાતેથી ધરપકડ કરી છે. આ ધરપકડ સાથે જ નકલી પોલીસ ગેંગની મોડસ ઓપરેન્ડી વધુ સ્પષ્ટ થઈ છે.
એસ.ઓ.જી.ની તપાસમાં બહાર આવ્યું છે કે, મોબિન સોદાગરે વડુ ખાતે એક ટ્રસ્ટ પણ બનાવ્યું હતું, જેના હિસાબોમાં તેને મોટા લોચા માર્યા છે. આ ટ્રસ્ટના ઓઠા હેઠળ અને ખાખી વર્દીનો રોફ જમાવી તેણે બે થી ત્રણ વાહનો લોન પર લીધા હતા. ચોંકાવનારી વાત એ છે કે, તેણે એક કાર વિકલાંગ વ્યક્તિના નામે લોન પર લીધી હતી અને ત્યારબાદ તે કાર બારોબાર વેચી દીધી હતી. લોનના હપ્તા પણ ભરપાઈ કરવામાં આવતા ન હતા, જેથી બેંકો સાથે પણ મોટી છેતરપિંડી આચરવામાં આવી હતી.
વાહનોના આ લોન કૌભાંડમાં મોબિનના ભાઈ મોહસીનની મુખ્ય ભૂમિકા સામે આવી છે. મોહસીને એક વાહન મેળવવા માટે અન્ય વ્યક્તિના અસલી દસ્તાવેજો પરથી તે વ્યક્તિનો ફોટો દૂર કરી, પોતાનો ફોટો લગાવી દીધો હતો અને બેંકને ગેરમાર્ગે દોરી લોન મંજૂર કરાવી હતી. ડોક્યુમેન્ટ્સ સાથેના આ ચેડાં પકડાઈ જતાં પોલીસ તેને શોધી રહી હતી. આખરે વોન્ટેડ મોહસીન તેના તાંદલજાના ઘરેથી પોલીસના સકંજામાં આવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, મોબિન સોદાગર પાસેથી અગાઉ એસઆઈટીના ડુપ્લીકેટ આઈકાર્ડ, પોલીસ યુનિફોર્મ અને પોલીસ લખેલી લક્ઝરી કાર મળી આવી હતી. તે વડોદરા અને ભરૂચ પંથકમાં જમીનના વિવાદિત કેસોમાં પીએસઆઈ તરીકેનો રોફ ઝાડી સમાધાનની ભૂમિકા ભજવતો હતો અને ખંડણી ઉઘરાવતો હતો. વડોદરા બાદ ભરૂચમાં પણ તેની સામે ગુના નોંધાયા છે. હવે તેના ભાઈની ધરપકડ બાદ, આ ગેંગમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને કેટલા લોકોને તેઓએ શિકાર બનાવ્યા છે, તે દિશામાં પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે.
વડોદરા પોલીસના જણાવ્યા મુજબ, મોબિન અને મોહસીન બંનેની પૂછપરછમાં હજુ અનેક સરકારી અને ખાનગી દસ્તાવેજો સાથે છેડાં કર્યા હોવાના ખુલાસા થઈ શકે છે. ખાસ કરીને બેંકોને કઈ રીતે છેતરવામાં આવી અને નકલી ડોક્યુમેન્ટ્સ ક્યાં તૈયાર થયા, તે તપાસનો મુખ્ય વિષય છે. રાજકોટના ક્રાઈમ જગતમાં પણ આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.