વડોદરામાં ફિલ્મી ઢબે લૂંટ: મોપેડ સવાર ત્રિપુટીએ વેપારીને આંતરી ચપ્પુ બતાવ્યું, ₹3.50 લાખ લૂંટી ફરાર!
- તાંદલજા વિસ્તારમાં વેપારીને ધમકાવી એક્ટિવાની ડેકી ખોલાવી - મોબાઈલ પણ આંચકી લૂંટારૂઓ અંધારામાં ઓગળી ગયા
- ડેકી ખોલ અને પૈસા આપી દે" કહી લૂંટારૂઓએ ખેલ પાડ્યો - જે.પી. રોડ પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે તપાસ તેજ
- ચાલતી એક્ટિવા પર પગ મૂકી લૂંટારૂઓએ વાહન અટકાવ્યું - તાંદલજાના હુસૈન સાહેરવાલા સાથે ઘટી ચોંકાવનારી ઘટના.
વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે. શહેરના તાંદલજા વિસ્તારમાં મોપેડ પર આવેલા ત્રણ અજાણ્યા લૂંટારૂઓએ એક વેપારીને આંતરી, ચપ્પુની અણીએ મોતનો ડર બતાવી ₹3.50 લાખની રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ફિલ્મી ઢબે વેપારીને આંતર્યો તાંદલજામાં રહેતા 27 વર્ષીય હુસૈન કાઈદભાઈ સાહેરવાલા, જેઓ સાહેરી પ્લાય સેન્ટરના માલિક છે, તેઓ બુધવારે સાંજે પોતાની દુકાનનું દૈનિક કલેક્શન લઈને એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા. ત્યારે કિસ્મત ચોકડી પાસે પાછળથી એક મોપેડ પર ત્રણ શખ્સો આવ્યા હતા. લૂંટારૂઓએ ચાલતી એક્ટિવા પર પગ મારી હુસૈનભાઈનું વાહન અટકાવ્યું હતું અને પળવારમાં એક્ટિવાની ચાવી કાઢી લીધી હતી.
"ડેકી ખોલ નહીંતર પતાવી દઈશ" એક શખ્સે નીચે ઉતરી હુસૈનભાઈને ચપ્પુ બતાવી ધમકી આપી હતી કે, "ડેકી ખોલ અને જેટલા પૈસા હોય તે આપી દે." ગભરાઈ ગયેલા વેપારીએ એક્ટિવા સાઈડમાં કરી ડેકી ખોલી આપતા લૂંટારૂઓએ ₹3.50 લાખની રોકડ ભરેલી બેગ અને તેમનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો. લૂંટ ચલાવ્યા બાદ ત્રણેય આરોપીઓ મોપેડ પર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.
સીસીટીવી ફૂટેજમાં કેદ થયા લૂંટારૂઓ? ઘટના બાદ વેપારીએ તુરંત પરિવાર અને જે.પી. રોડ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, લૂંટારૂઓએ કદાચ વેપારીની દુકાનથી જ રેકી કરી હોવાની શક્યતા છે. હાલમાં કિસ્મત ચોકડી અને આસપાસના માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. રાજકોટ જેવી જ સ્થિતિ વડોદરામાં પણ જોવા મળી રહી છે જ્યાં ગુનેગારો બેફામ બન્યા છે. પોલીસે નાકાબંધી કરી લૂંટારૂ ત્રિપુટીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.