વડોદરામાં ફિલ્મી ઢબે વેપારીનું અપહરણ: "તારી વાઈફ જોડે વાત કરે છે, શું પ્રોબ્લેમ છે?" કહી કેનાલમાં ફેંકી હત્યાનો પ્રયાસ!
- છાણી પોલીસે ગણતરીના કલાકોમાં ખેડા-નડીયાદના 5 શખ્સોને દબોચ્યા – લૂંટારુઓએ એટીએમમાંથી 1 લાખ પણ ઉપાડ્યા
- અકસ્માત કરી કારમાં ઉઠાવ્યા, લૂંટ ચલાવી સોજીત્રા કેનાલમાં જીવતા ફેંક્યા – છાણી પોલીસે આરોપીઓની કુંડળી શોધી કાઢી
- "આને આજે પૂરો કરી દઈશું" – ફોન પર વાતચીત કરતા લૂંટારુઓએ વેપારીને મોતનો ડર બતાવી ATM પિન પડાવ્યો
વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ખૌફનાક ઘટના સામે આવી છે. શહેરના છાણી વિસ્તારમાં રહેતા અને હરણીમાં પાન પાર્લર ચલાવતા વેપારીનું રાત્રિના સમયે સ્વિફ્ટ કારમાં અપહરણ કરી, લૂંટ ચલાવ્યા બાદ તેમને જીવતા કેનાલમાં ફેંકી દેવાતા ચકચાર મચી ગઈ છે. સદનસીબે, વેપારીએ પાણીમાં પિલર પકડી રાખી રાત વિતાવી અને મોતને હાથતાળી આપી હતી. છાણી પોલીસે આ મામલે સક્રિયતા દાખવી ગણતરીના કલાકોમાં ખેડા જિલ્લાની ગેંગના 5 સભ્યોને ઝડપી પાડ્યા છે.
ઘટનાની વિગત મુજબ, 8 એપ્રિલની રાત્રે વેપારી પોતાની દુકાન વધાવી ઘરે જઈ રહ્યા હતા ત્યારે ગીરીરાજ સ્કૂલ પાસે સફેદ સ્વિફ્ટ કારે તેમના એક્ટીવાને ટક્કર મારી હતી. કારમાંથી ઉતરેલા 5 શખ્સોએ તેમને બળજબરીથી કારમાં બેસાડી દીધા હતા. ચપ્પુ બતાવીને તેમનો મોબાઈલ, પર્સ અને એટીએમ કાર્ડ લૂંટી લેવાયા હતા. ત્યારબાદ આરોપીઓએ હાઈવે પર અલગ-અલગ એટીએમ સેન્ટરો પરથી 1 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.
કેનાલમાં ફેંકી 'ખેલ' પૂરો કરવાની હતી પેરવી: લૂંટારુઓ વેપારીને સોજીત્રા નજીક કેનાલ પર લઈ ગયા હતા અને પુલ પરથી નીચે ફેંકી દીધા હતા. વેપારીએ જણાવ્યું કે કારમાં આરોપીઓ એકબીજા સાથે વાત કરતા હતા કે "આને આજે પૂરો કરી દઈશું". એટલું જ નહીં, એક શખ્સે તેને તેની પત્ની સાથે કોઈ કૌશિક નામના વ્યક્તિની વાતચીત અંગે પણ ધમકાવ્યો હતો. વેપારીએ કેનાલના પિલરને પકડી રાખતા જીવ બચી ગયો હતો. સવારે સ્થાનિકોની મદદથી તેમણે પરિવારનો સંપર્ક કર્યો અને છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
છાણી પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર કૌશિક શર્મા હેર સલુન ચલાવે છે જ્યારે અન્ય આરોપીઓ ડીજે અને ખાનગી નોકરી સાથે જોડાયેલા છે. પોલીસે લૂંટમાં વપરાયેલી કાર અને મુદ્દામાલ રિકવર કરવાની દિશામાં તપાસ તેજ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પરની સુરક્ષા અને અજાણ્યા વાહનો દ્વારા થતા ગુનાઓ સામે સવાલો ઉભા કર્યા છે.