Loading Please Wait !!!
"વડોદરામાં ગેસના કાળાબજારનો પર્દાફાશ: ₹3500નું સિલિન્ડર ₹4000માં વેચતા શખ્સને માંજલપુર પોલીસે દબોચ્યો"

  • વડસર GIDCમાં મધરાતે ચાલતો હતો ખેલ - કટોકટીનો ફાયદો ઉઠાવી મજબૂર લોકો પાસેથી ખંખેરતા હતા વધુ રૂપિયા
  • આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો દાખલ - માંજલપુર પોલીસના પેટ્રોલિંગમાં 'કાળા ખેલ'નો ભાંડો ફૂટ્યો
  • વડસર પાણીની ટાંકી પાસે ચાલતું હતું ગેરકાયદે વેચાણ - પોલીસે સિલિન્ડર અને રોકડ રકમ સાથે આરોપીને ઝડપ્યો

શહેરમાં હાલમાં ચાલી રહેલી ગેસ સિલિન્ડરની અછતનો ફાયદો ઉઠાવી કેટલાક નફાખોર તત્વો સક્રિય થયા છે. વડોદરાની માંજલપુર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વડસર GIDC વિસ્તારમાં મધરાતે LPG સિલિન્ડરનું કાળાબજાર કરતા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપી ₹3500 ની કિંમતનું સિલિન્ડર જરૂરિયાતમંદોને ₹4000 માં વેચી રહ્યો હતો.

પેટ્રોલિંગમાં ભાંડો ફૂટ્યો માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ જ્યારે વડસર રોડ પર પેટ્રોલિંગમાં હતી, ત્યારે પાણીની ટાંકી પાસે બે વ્યક્તિઓ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે નજીક જઈને તપાસ કરતા જોયું કે ચેતનકુમાર ઈનાની નામનો શખ્સ ભાનુભાઈ ચુનારા નામના વ્યક્તિને KABSONS કંપનીનું સીલબંધ સિલિન્ડર આપી રહ્યો હતો. પૂછપરછમાં બહાર આવ્યું કે આ સોદો ₹4000 માં નક્કી થયો હતો, જે ખરેખર છાપેલી કિંમત કરતા ₹500 વધુ હતો.

મજબૂરીનો ફાયદો ઉઠાવતી ગેંગ? પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી અત્યારે ગેસની અછતનો લાભ લઈ આર્થિક ફાયદો મેળવવા માટે સરકાર દ્વારા નક્કી કરેલી કિંમત કરતા વધુ ભાવે સિલિન્ડર વેચતો હતો. આરોપી પાસેથી સિલિન્ડર અને રોકડ રકમ કબજે કરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી પાસે આ સિલિન્ડર ક્યાંથી આવ્યો અને તેની સાથે અન્ય કોઈ ગેસ એજન્સીના કર્મચારીઓ કે ડેલિવરી બોય સંડોવાયેલા છે કે કેમ.

આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કાર્યવાહી માંજલપુર પોલીસે આરોપી ચેતનકુમાર સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 7 હેઠળ ગુનો નોંધી કાયદેસરની ધરપકડ કરી છે. પોલીસના આ કડક વલણને કારણે ગેસના કાળાબજાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ પણ વ્યક્તિ વધુ ભાવે ગેસ વેચે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.