વડોદરા ભાજપમાં ટિકિટ માટે 'મહાભારત': પ્રથમ દિવસે જ 776 દાવેદારો ઉમટ્યા, આજે બાકીના વોર્ડમાં જામશે જંગ!
- 10 વોર્ડમાં મુરતિયાઓનું લાંબુ લિસ્ટ - નિરીક્ષકો મોડા પડ્યા છતાં કાર્યકરોનો ઉત્સાહ સાતમા આસમાને
- વોર્ડ નં. 17 અને 18માં સૌથી વધુ રસાકસી - વર્તમાન કોર્પોરેટરોની સાથે નવા ચહેરાઓએ પણ ઠાલવ્યો બાયોડેટા
- પ્રથમ દિવસે 10 વોર્ડની કામગીરી પૂર્ણ - પાયાના કાર્યકરોથી માંડીને પદાધિકારીઓએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી
આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વડોદરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે જ દાવેદારોનો રાફડો ફાટ્યો છે. ભાજપના ગઢ ગણાતા વડોદરામાં ચૂંટણી લડવા માટે કાર્યકરોમાં એટલો ભારે ઉત્સાહ જોવા મળ્યો કે માત્ર 10 વોર્ડમાં જ દાવેદારોની સંખ્યા 776 પર પહોંચી ગઈ છે. સવારથી જ ચારેય ઝોનમાં કાર્યકરો પોતાના સમર્થકો અને બાયોડેટા સાથે ઉમટી પડ્યા હતા.
નિરીક્ષકો મોડા પડ્યા છતાં ઉત્સાહ અકબંધ સેન્સ પ્રક્રિયામાં એક તરફ કાર્યકરો સમયસર પહોંચી ગયા હતા, તો બીજી તરફ ચારેય ઝોનમાં નિરીક્ષકો નિર્ધારિત સમય કરતા અંદાજે બે કલાક મોડા પહોંચ્યા હતા. સવારે 11 વાગ્યે શરૂ થયેલી આ પ્રક્રિયામાં વોર્ડ વાઇઝ દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. વોર્ડ નં. 17 માં 98 અને વોર્ડ નં. 18 માં 96 દાવેદારો સામે આવતા અહીં સૌથી વધુ રસાકસી જોવા મળી રહી છે. નોંધનીય છે કે, પાયાના કાર્યકરોથી માંડીને બુથ ઇન્ચાર્જ સુધીના લોકોએ આ વખતે ચૂંટણી મેદાનમાં ઝંપલાવવાની તૈયારી બતાવી છે.
જુના જોગીઓ vs નવા ચહેરા સેન્સ પ્રક્રિયામાં એક ચોંકાવનારી વાત એ સામે આવી છે કે લગભગ તમામ વર્તમાન કોર્પોરેટરોએ ફરીથી ટિકિટ મેળવવા માટે દાવેદારી નોંધાવી છે. પક્ષના અગ્રીમ હરોળના નેતાઓ જેઓ અન્ય જિલ્લામાં નિરીક્ષક તરીકે ગયા હતા, તેઓએ પણ અગાઉથી જ પોતાની દાવેદારી ફોર્મ ભરીને સુપરત કરી દીધા હતા. હવે જોવાનું એ રહેશે કે ભાજપ હાઈકમાન્ડ નો-રિપીટ થીયરી અપનાવીને નવા ચહેરાઓને તક આપે છે કે પછી અનુભવી જૂના જોગીઓ પર જ ભરોસો મૂકે છે. આજે બાકી રહેલા વોર્ડ માટે સેન્સ લેવાની કામગીરી ચાલુ રહેશે, જેમાં દાવેદારોની સંખ્યા હજુ વધવાની શક્યતા છે.