Loading Please Wait !!!
વડોદરાના પદમલામાં મોડીરાત્રે લોહિયાળ જંગ: બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો, મંદિર અને ઘરો પર ઈંટોના વરસાદથી અફરાતફરી!

  • જૂની અદાવતમાં મામલો બિચક્યો - રોહિતભાઈ સહિત 4 લોકો લોહીલુહાણ, છાણી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
  • "મમ્મીને બચાવવા ગયો ને પથ્થર વાગ્યો" - ઈજાગ્રસ્ત યુવાને વર્ણવી રાત્રિની ખોફનાક આપવીતી, પોલીસના ધાડેધાડા ઉતારાયા
  • છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂથ અથડામણથી ફફડાટ - પોલીસે ગુનો નોંધી તોફાની તત્વોની શોધખોળ શરૂ કરી

વડોદરા શહેરના પાદરે આવેલા પદમલા ગામમાં મોડી રાત્રે જૂની અદાવતે હિંસક વળાંક લીધો હતો. બે જૂથો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી જોતજોતામાં પથ્થરમારામાં ફેરવાઈ ગઈ હતી. પથ્થરમારાની આ ઘટનામાં 4 લોકો લોહીલુહાણ થયા છે, જ્યારે ગામના ધાર્મિક સ્થળો અને મકાનો પર પથ્થરો પડતા અફરાતફરી મચી ગઈ હતી.

"મમ્મીને બચાવવા જતા પથ્થર વાગ્યો" ઈજાગ્રસ્ત યુવાન રોહિતભાઈએ જણાવ્યું કે, તેઓ ગામના મેઈન ગેટ પાસે ઉભા હતા ત્યારે અચાનક બૂમાબૂમ શરૂ થઈ હતી. જોતજોતામાં પથ્થરમારો શરૂ થતા રોહિતભાઈની માતા તેમને બચાવવા દોડી આવી હતી. માતાને પથ્થરોથી બચાવવા જતા રોહિતભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ચાર જેટલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ગામમાં પોલીસ છાવણી ઘટનાની ગંભીરતા જોઈ છાણી પોલીસનો કાફલો તાત્કાલિક પદમલા દોડી ગયો હતો. પોલીસે લાઠીચાર્જની ચીમકી આપી ટોળાને વિખેર્યું હતું અને હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના મતે, આ હુમલો પૂર્વ આયોજિત હતો કે અચાનક થયેલી બોલાચાલીનું પરિણામ તે દિશામાં તપાસ ચાલી રહી છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે પણ ગામમાં છૂપો ભય જોવા મળી રહ્યો છે.