વડોદરામાં ‘માસ્કમેન’નો અનોખો વિરોધ: સરદાર પટેલની પ્રતિમાને પગે પડી ભાજપના ઉમેદવાર વિરુદ્ધ મોરચો માંડ્યો
-
નીતિન દોંગા અને અવની સ્ટેમ્પવાલા વિરુદ્ધ ‘હિસાબ આપો’ના નારા; કાર રેલી કાઢી મતદાન જાગૃતિના બહાને પ્રહાર
-
ચૂંટણી નહીં લડવાના સ્ટેટમેન્ટ પેપરના કટિંગ બેનરો પર ચોંટાડ્યા; ક્રાંતિકારી સેનાના માસ્કમેને જનતા પાસે માંગ્યો હિસાબ
-
આવાસ યોજનાના ફ્લેટોમાં લીફલેટ વહેંચ્યા; શું અમિત શાહ વોર્ડ-10ના આ વિવાદમાં દખલ દેશે?
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 10 માં પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે ‘માસ્કમેન’ તરીકે ઓળખાતા ક્રાંતિકારી સેનાના યુવાને ભાજપના ઉમેદવારો સામે આક્રમક વિરોધ નોંધાવ્યો છે. આ યુવાને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સાષ્ટાંગ પ્રણામ કરી ભાજપના ઉમેદવાર નીતિન દોંગા અને અવની સ્ટેમ્પવાલા વિરુદ્ધ પોતાનો મોરચો ખોલ્યો છે.
‘જૂઠાણાં’નો પર્દાફાશ કરવાનો દાવો માસ્કમેને આક્ષેપ કર્યો છે કે નીતિન દોંગાએ અગાઉ સ્ટેટમેન્ટ પેપર પર લેખિતમાં જાહેર કર્યું હતું કે તેઓ ચૂંટણી લડશે નહીં, તેમ છતાં તેમણે ત્રીજી વખત ટિકિટ મેળવી છે. આ બાબતને જનતા સાથેનું ‘જૂઠાણું’ ગણાવી માસ્કમેને ઉમેદવારોના હોર્ડિંગ્સ અને બેનરો પર નીતિન દોંગાના તે સ્ટેટમેન્ટ પેપરના કટિંગ્સ ચોંટાડી દીધા હતા. વાસણાથી ભાયલી ગામ સુધી કાર રેલી કાઢીને ‘હિસાબ આપો’ના નારા સાથે મતદાન જાગૃતિનું અભિયાન પણ ચલાવ્યું હતું.
મોદીની વિચારધારા અને શાહને સવાલ આશ્ચર્યની વાત એ છે કે, આ માસ્કમેન પોતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારાથી પ્રેરિત હોવાનો દાવો કરે છે. તેણે સવાલ ઉઠાવ્યો છે કે શું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના જ પક્ષના આ ઉમેદવારોના વર્તન અંગે કોઈ એક્શન લેશે? આવાસ યોજનાના ફ્લેટોમાં લીફલેટ વહેંચીને આ યુવાને ભાજપના પૂર્વ કોર્પોરેટર નીતિન દોંગા વિરુદ્ધ લોકમત કેળવવાનો પ્રયાસ કર્યો છે.
જૂનો વિવાદ ફરી વકર્યો ઉલ્લેખનીય છે કે નીતિન દોંગા અને ક્રાંતિકારી સેનાના આ માસ્કમેન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ પણ અનેક પ્રસંગોએ આ માસ્કમેને નીતિન દોંગાની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા હતા. હવે ચૂંટણી ટાણે જ ફરી આ વિરોધ શરૂ થતા વોર્ડ-10 ના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવો અઘરો બની રહ્યો છે.