Loading Please Wait !!!
વડોદરા મનપા ચૂંટણી: કોંગ્રેસે 18 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, 'યંગ બ્રિગેડ' પર ખેલ્યો વિશ્વાસ!

  • સિનિયર કોર્પોરેટર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ અને બાળાસાહેબ સુર્વે રિપીટ - ભાજપમાંથી આવેલા બળવાખોરોને પણ મળી ટિકિટ
  • મધુ શ્રીવાસ્તવની બંને દીકરીઓ મેદાને - વોર્ડ-15માં ભાજપના પૂર્વ કોર્પોરેટરો પારુલ પટેલ અને આશિષ જોષીની એન્ટ્રી
  • વોર્ડ-1 ના સસ્પેન્સ વચ્ચે 16 નવા ઉમેદવારોની ઘોષણા - પ્રદેશ પ્રવક્તા નિશાંત રાવલના પત્ની કૃતિ રાવલને ટિકિટ

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં હવે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. રવિવારે મોડી સાંજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા વડોદરા માટે ૧૮ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં કોંગ્રેસે જૂના જોગીઓને જાળવી રાખવાની સાથે સાથે 'યંગ બ્રિગેડ' અને ભાજપમાંથી આવેલા બળવાખોર નેતાઓ પર મોટો જુગાર ખેલ્યો છે. ગત ટર્મમાં કોંગ્રેસના કુલ ૭ સભ્યો વિજેતા બન્યા હતા, જેમાંથી હાલમાં બે પૂર્વ કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસના સૌથી સિનિયર પૂર્વ કોર્પોરેટર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને તેમના ગઢ સમાન વોર્ડ-૧૬ માંથી પુનઃ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેવી જ રીતે વોર્ડ-૧૩ માંથી ગત ટર્મમાં વિજેતા બનેલા બાળાસાહેબ સુર્વેને પણ રિપીટ કરાયા છે. જોકે, આ યાદીમાં સૌથી વધુ આશ્ચર્યજનક નામ ભાજપમાંથી આવેલા આશિષ જોષી અને પારુલ પટેલના છે. હરણી બોટકાંડમાં પીડિતોને ન્યાય અપાવવાની માંગ કરતા ભાજપે આશિષ જોષીને સસ્પેન્ડ કર્યા હતા, હવે તેઓ પંજાના નિશાન પર વોર્ડ-૧૫ માંથી ચૂંટણી લડશે.

આ વખતે કોંગ્રેસે નવા અને ઉત્સાહી યુવાનોને પણ પ્રાધાન્ય આપ્યું છે. પ્રદેશ પ્રવક્તા નિશાંત રાવલના પત્ની કૃતિ રાવલ (વોર્ડ-૩), સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ અને વોર્ડ-૧૪ માંથી તીર્થ બ્રહ્મભટ્ટ જેવા 'યંગ બ્રિગેડ' ના સભ્યોને ટિકિટ આપીને કોંગ્રેસે યુવા મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત મધુ શ્રીવાસ્તવની બંને દીકરીઓ દીપા અને નીલમ શ્રીવાસ્તવ (નિગમ) ને પણ મેદાનમાં ઉતારીને કોંગ્રેસે પોતાનું સંખ્યાબળ વધારવાની રણનીતિ અપનાવી છે.

રાજકીય વિશ્લેષકોની નજર અત્યારે વોર્ડ-૧ પર ટકેલી છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસે આ વોર્ડની ચારેય બેઠકો કબજે કરી હતી, પરંતુ પ્રથમ યાદીમાં આ વોર્ડના કોઈ પણ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. આ વોર્ડમાં કોને રિપીટ કરવામાં આવશે અને કોની ટિકિટ કપાશે તે અંગે ભારે સસ્પેન્સ જળવાયેલું છે. આગામી બીજી યાદીમાં વોર્ડ-૧ સહિત અન્ય બેઠકોના નામોની જાહેરાત થવાની શક્યતા છે.

કોંગ્રેસે આ યાદી દ્વારા સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ સત્તાધારી ભાજપ સામે આક્રમક મૂડમાં છે. ખાસ કરીને ભાજપના આંતરિક અસંતોષનો લાભ લેવા માટે કોંગ્રેસે બળવાખોર નેતાઓને આવકારીને તેમને ટિકિટ પણ ફાળવી છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસની આ 'યંગ બ્રિગેડ' અને જૂના જોગીઓની જોડી વડોદરાના મતદારોના દિલ જીતવામાં કેટલી સફળ રહે છે. ભાજપની યાદી જાહેર થયા બાદ જંગ વધુ રોમાંચક બનશે તે નક્કી છે.