Loading Please Wait !!!
ગિફ્ટ સિટીમાં 400 કરોડનું મહાકૌભાંડ: ‘શૂટ સ્પેસ’ ના MD ઉત્પલ પટેલે 33,000 રોકાણકારોને નવડાવ્યા

  • ટેરાબાઈટ ડેટા સ્પેસમાં રોકાણના નામે છેતરપિંડી; પીડિતો ન્યાય માટે CID ક્રાઈમ પહોંચ્યા
  • રોકાણકારોના પૈસા ડૂબ્યા અને આરોપી ફરાર: ઉત્પલ પટેલે 5% વળતરની લાલચ આપી આચર્યું કૌભાંડ
  • ફર્યાદ કરશો તો પૈસા નહીં મળે’ : શૂટ સ્પેસના માલિકની રોકાણકારોને ધમકી

સિટી ન્યુઝ @ ગાંધીનગર

રાજ્યના આર્થિક હબ ગણાતા ગિફ્ટ સિટીમાંથી એક ચોંકાવનારું રોકાણ કૌભાંડ સામે આવતા સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. 'શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ઉત્પલ પટેલે ટેરાબાઈટ ડેટા સ્પેસમાં રોકાણના નામે અંદાજે 33,000 થી વધુ રોકાણકારો સાથે 400 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ૧૨ મે ના રોજ મોટી સંખ્યામાં પીડિત રોકાણકારો ગાંધીનગર CID ક્રાઈમની આર્થિક ગુના નિવારણ શાખા અને DGP ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને પોતાની જીવનભરની કમાણી પરત મેળવવા ન્યાયની માંગ કરી હતી.

આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઉત્પલ પટેલ, જે મૂળ અરવલ્લી જિલ્લાનો રહેવાસી છે અને અગાઉ મેડિકલ સ્ટોર ચલાવતો હતો, તેણે ગિફ્ટ સિટીમાં આલીશાન ઓફિસ ખોલી લોકોને પ્રભાવિત કર્યા હતા. કંપનીએ રોકાણકારોને લોભામણી લાલચ આપી હતી કે જો તેઓ ડેટા સ્પેસમાં રોકાણ કરશે, તો તેમને દર મહિને 5% વળતર આપવામાં આવશે. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે સમયસર પેમેન્ટ આપવામાં આવ્યું હતું, જેના કારણે લોકોએ 5 લાખથી લઈને 3 કરોડ જેવી મોટી રકમો આ સ્કીમમાં રોકી દીધી હતી. જોકે, છેલ્લા બે મહિનાથી પેમેન્ટ બંધ થઈ જતા રોકાણકારોના જીવ અધ્ધર થઈ ગયા છે.

પીડિત રોકાણકારોના જણાવ્યા અનુસાર, ઉત્પલ પટેલ હાલમાં સંપર્ક વિહોણો થયો છે. અગાઉ તે રોકાણકારોને ધમકાવતો હતો કે જો કોઈ પોલીસ ફરિયાદ કે કેસ કરશે, તો તેને તકલીફ પડશે અને જો તેને તકલીફ પડશે તો કોઈને એક પણ રૂપિયો પાછો નહીં મળે. આશ્ચર્યની વાત એ છે કે, આરોપી હજુ પણ અટક્યો નથી. તેણે વધુ એક નવી વેબસાઈટ શરૂ કરી છે, જેમાં તે ક્રિપ્ટો કરન્સી મારફતે રોકાણકારો પાસેથી વધુ ૧,૦૦૦ રૂપિયા ઉઘરાવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

આ કૌભાંડને રોકાણકારોએ 'વન ટાઈમ પોન્ઝી સ્કીમ' ગણાવી છે. રોકાણકારોના પ્રતિનિધિ ભાવેશપુરી ગોસ્વામીએ જણાવ્યું કે, કંપની એક ટેરાબાઈટ ડેટા સ્પેસના બદલામાં ૩૮,૦૦૦ થી ૩૯,૦૦૦ રૂપિયા ઉઘરાવતી હતી. અંદાજે ૯૫,૦૦૦ ટેરાબાઈટનું વેચાણ થયું હોવાથી આ કૌભાંડ ૫૦૦ કરોડ સુધી પહોંચી શકે છે. ગુજરાત ઉપરાંત હરિયાણા અને ગોવા સુધી આ છેતરપિંડીનું જાળ ફેલાયેલું છે, જેમાં મધ્યમ વર્ગના હજારો લોકોના નાણાં ડૂબ્યા છે.

ગાંધીનગર CID ક્રાઈમના ઉચ્ચ અધિકારીઓએ રોકાણકારોની રજૂઆત સાંભળી છે અને ખાતરી આપી છે કે જો DGP કક્ષાએથી આદેશ મળશે, તો આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કાયદેસરની તપાસ હાથ ધરી સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવશે. હાલમાં સ્થાનિક પોલીસ અને સાયબર ક્રાઈમમાં પણ અનેક અરજીઓ કરવામાં આવી છે. રોકાણકારોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમના કષ્ટીના પૈસા પરત નહીં મળે અને કૌભાંડી ઉત્પલ પટેલની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે.