"વડોદરા જિલ્લામાં રવિવાર 'કાળો' સાબિત થયો: તળાવ અને નદીમાં ડૂબવાની બે ઘટનામાં 3 યુવકો લાપતા"
- વાઘોડિયાના આલમગઢમાં નહાવા પડેલા મિત્રો ડૂબ્યા - શિનોર પાસે નર્મદામાં પરિક્રમાર્થી યુવક ગરકાવ
- વડોદરા ફાયર બ્રિગેડનું સઘન સર્ચ ઓપરેશન - ઊંડા પાણીમાં ગરકાવ થયેલા યુવકોની શોધખોળ તેજ
- વહેલી સવારથી રેસ્ક્યુ ટીમ કાર્યરત - દર્શન કરવા ગયેલો યુવક અચાનક ઊંડા પાણીમાં ખેંચાયો
વડોદરા જિલ્લામાં રવિવારનો રજાનો દિવસ માતમમાં ફેરવાઈ ગયો છે. જિલ્લાના વાઘોડિયા અને શિનોર તાલુકામાં ડૂબવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વાઘોડિયાના આલમગઢ તળાવમાં નહાવા પડેલા બે યુવકો અને શિનોર પાસે નર્મદા નદીમાં સ્નાન કરવા ગયેલો એક પરિક્રમાર્થી યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વડોદરા ફાયર બ્રિગેડની ટીમો દ્વારા યુવકોની ભાળ મેળવવા માટે સવારથી જ યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
પહેલી ઘટના વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામે ગઈકાલે (22મી માર્ચ) બની હતી. અહીં ગામના ચાર મિત્રો રવિવારની રજા હોવાથી તળાવમાં નહાવા માટે પડ્યા હતા. નહાતી વખતે અચાનક ચારેય યુવકો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. સદનસીબે બે યુવકોને તરતા આવડતું હોવાથી તેઓ હિંમત બતાવી જીવ બચાવીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જોકે, અન્ય બે યુવકો તળાવના ઊંડા પાણીમાં લાપતા થયા હતા. મોડી સાંજ સુધી સ્થાનિક લોકોએ શોધખોળ કરી હતી, પરંતુ સફળતા ન મળતા અંતે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે. ફાયર ટીમ હાલ બોટ અને ડાઈવર્સની મદદથી તળાવ ખૂંદી રહી છે.
બીજી તરફ, શિનોર તાલુકામાં નર્મદા નદીમાં ડૂબવાની ઘટના બની છે. અહીં પવિત્ર નર્મદા પરિક્રમા માટે આવેલો એક યુવક નદીમાં સ્નાન કરવા ગયો હતો. નર્મદા મૈયાના દર્શન અને સ્નાન સમયે યુવક પાણીના પ્રવાહ અને ઊંડાણનો અંદાજ ન મેળવી શકતા ડૂબવા લાગ્યો હતો. ગઈકાલથી જ આ યુવકની શોધખોળ ચાલી રહી છે, પરંતુ પ્રવાહને કારણે હજુ સુધી તેનો પત્તો લાગ્યો નથી. આજે વહેલી સવારથી ફરી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી નદીના કાંઠે અને અંદરના ભાગે તપાસ તેજ કરવામાં આવી છે.
વડોદરા ગ્રામ્ય પોલીસ પણ બંને સ્થળોએ પહોંચીને તપાસમાં જોડાઈ છે. પ્રાથમિક તપાસમાં પરિક્રમાર્થી યુવક ક્યાંનો હતો તે અંગેની ઓળખ વિધિ ચાલી રહી છે. રવિવારના દિવસે બનેલી આ બેવડી દુર્ઘટનાઓને પગલે આલમગઢ અને શિનોર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ફાયર બ્રિગેડના જવાનો જીવના જોખમે લાપતા ત્રણેય યુવકોને શોધવા માટે મહેનત કરી રહ્યા છે.