Loading Please Wait !!!
વડોદરામાં તાલીમ દરમિયાન SRP જવાનનું હાર્ટ એટેકથી મોત: પી.ટી. પરેડ બાદ 29 વર્ષીય દીપક બારિયા ઢળી પડ્યા!

  • ડોક્ટરની ચેમ્બર બહાર જ શ્વાસ થંભ્યા – મૂળ તિલકવાડાના આશાસ્પદ જવાનના નિધનથી પોલીસ બેડામાં શોક
  • છાતીમાં દુખાવાની ફરિયાદ કરી અને મિનિટોમાં જીવ ગુમાવ્યો – 15 માર્ચથી જ શરૂ થઈ હતી દીપકની તાલીમ
  • અગાઉ કોઈ બીમારી નહોતી છતાં 29 વર્ષની વયે હૃદયે સાથ છોડ્યો – ઇન્ચાર્જ સેનાપતિએ વિગતો આપી.

વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા SRP ગ્રુપ-9 ખાતે તાલીમ લઈ રહેલા એક યુવાન જવાનના આકસ્મિક નિધનથી પોલીસ બેડામાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. મૂળ રાજપીપળા નજીકના તિલકવાડાના રહેવાસી 29 વર્ષીય દીપક દિનેશભાઈ બારિયાનું આજે સવારે હૃદયરોગના હુમલાને કારણે મોત નીપજ્યું છે. હજુ ચાર અઠવાડિયા પહેલા જ તાલીમમાં જોડાયેલા આ આશાસ્પદ જવાનના નિધનને પગલે પરિવારમાં માતમ છવાયો છે.

ઘટનાની વિગતો મુજબ, દરરોજની જેમ આજે સવારે પણ મેદાન પર પી.ટી. પરેડ યોજાઈ હતી. સવારે 10 વાગ્યે પરેડ પૂર્ણ થયા બાદ દીપકભાઈ ફ્રેશ થઈને કપડાં બદલી નાસ્તો કરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે જ તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. તેમણે પોતાના મિત્રને આ બાબતે જાણ કરી અને બંને ડિસ્પેન્સરી તરફ રવાના થયા હતા. જોકે, ડોક્ટરની ચેમ્બર સુધી પહોંચે તે પહેલા જ રસ્તામાં તેઓ ઢળી પડ્યા હતા. ડોક્ટરે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ઇન્જેક્શન અને બોટલ ચડાવ્યા હતા, પરંતુ હાલત વધુ કથળતા તેમને SSG હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

SRP ગ્રુપ-9ના ઇનચાર્જ સેનાપતિ ડી.બી. બામણીયાએ જણાવ્યું હતું કે, દીપકભાઈની નિમણૂક SRP ગ્રુપ-1માં થઈ હતી અને તેઓ 15 માર્ચથી અહીં તાલીમ લઈ રહ્યા હતા. અગાઉ તેમને કોઈ ગંભીર બીમારી હોવાનું રેકોર્ડ પર નથી. તાલીમમાં પણ તેઓ સક્રિય હતા. અચાનક બનેલી આ ઘટનાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે. પોલીસ દ્વારા અત્યારે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નિષ્ણાતોના મતે, યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકના કેસો ચિંતાનો વિષય છે. ઘણી વખત શારીરિક શ્રમ બાદ શરીરમાં આવતા ફેરફારોને સામાન્ય થાક કે ગેસ સમજીને અવગણવામાં આવે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. અમેરિકન હાર્ટ એસોસિએશન મુજબ, 50% કિસ્સામાં દર્દી એકલો હોય ત્યારે મદદ મળવામાં મોડું થતા મૃત્યુ થાય છે. જો પ્રથમ 90 મિનિટમાં યોગ્ય સારવાર મળે તો બચવાની શક્યતા 80% સુધી વધી જાય છે. રાજકોટમાં પણ તાજેતરમાં યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે, ત્યારે વડોદરાની આ ઘટના લાલબત્તી સમાન છે.