Loading Please Wait !!!
ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે કાલે જ્ઞાનરત્ન અભિવાદન સમારોહ

» ધોરણ ૧૦-૧૨ના ૧૦૭૩ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહનની અનોખી પહેલ

સીટી ન્યૂઝ@રાજકોટ

વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે સતત ચોથા વર્ષે જ્ઞાનરત્ન અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તા. ૧૪ જૂન, રવિવારે સવારે ૯:૩૦ કલાકે અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે યોજાનારા આ સમારોહમાં ધોરણ ૧૦ અને ૧૨ની ગર્વમેન્ટ-૨૦૨૬ બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર ૧૦૭૩ વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવશે.

ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનું સન્માન એટલે ભવિષ્યનું સન્માન. સમાજના ભાવિ કર્ણધારો એવા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે, શિક્ષણ પ્રત્યેનો લગાવ મજબૂત બને અને તેઓ ભવિષ્યમાં દેશ તથા સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે તેવા શુભ આશયથી આ સમારોહનું આયોજન કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષ દરમિયાન આ પહેલ હેઠળ ૪ હજારથી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ ૧૦૭૩ તેજસ્વી તારલાઓને સન્માનિત કરીને તેમની મહેનત અને સિદ્ધિઓને બિરદાવવામાં આવશે. વિદ્યાર્થીઓને યોગ્ય સમયે માન્યતા અને પ્રોત્સાહન મળે તો તેઓ વધુ ઊંચી સિદ્ધિઓ હાંસલ કરવા માટે પ્રેરિત થાય છે.

સમારોહમાં રાજ્યના કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અધ્યક્ષસ્થાને રહેશે, જ્યારે રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલાના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, મેયર ડૉ. નેહલ શુક્લ, પૂર્વ રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, વિવિધ ધારાસભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને શહેર ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષણવિદો, સામાજિક આગેવાનો તેમજ વિધાનસભા-૬૮ વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં જોડાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.