પંજાબમાં આતંકી દહેશત: જલંધરમાં BSF અને અમૃતસરમાં આર્મી કેમ્પ પર હુમલો
- ખાલિસ્તાની સંગઠન KLA એ લીધી જવાબદારી; IED બ્લાસ્ટ અને ગ્રેનેડ હુમલાથી ફફડાટ.
- જલંધર BSF હેડક્વાર્ટર બહાર IED બ્લાસ્ટ; સુરક્ષા એજન્સીઓ દ્વારા હાઈ-એલર્ટ જાહેર.
- ડિલિવરી બોયની એક્ટિવા પાસે ધમાકો; અમૃતસરમાં આર્મી કેમ્પ પર બાઈક સવારોએ ફેંક્યો ગ્રેનેડ.
સિટી ન્યૂઝ @ જલંધર: પંજાબમાં ફરી એકવાર આતંકવાદી ખતરો મંડરાઈ રહ્યો હોય તેમ જલંધર અને અમૃતસરમાં માત્ર થોડા કલાકોના અંતરે બે મોટા હુમલાની ઘટનાઓ બની છે. મંગળવારે રાત્રે જલંધરમાં BSF ફ્રન્ટિયર હેડક્વાર્ટરના ગેટ પાસે શક્તિશાળી IED વિસ્ફોટ થયો હતો. આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ અમૃતસરમાં પણ ખાસા સ્થિત આર્મી કેમ્પના ગેટ નંબર 5 અને 6 ની બહાર ગ્રેનેડ હુમલો કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. આ હુમલાઓની જવાબદારી ખાલિસ્તાન લિબરેશન આર્મી (KLA) નામના સંગઠને સ્વીકારી છે.
જલંધરમાં PAP ચોક પાસે રાત્રે આશરે 7:57 વાગ્યે એક એક્ટિવા પાસે આ ધમાકો થયો હતો. સીસીટીવી ફૂટેજ મુજબ, એક આતંકી રોંગ સાઈડથી ચાલતો આવ્યો અને એક્ટિવા પાસે પ્લાસ્ટિકમાં લપેટેલું પેકેટ મૂકીને નાસી છૂટ્યો હતો. આ એક્ટિવા BSF ના પૂર્વ જવાન કાશ્મીર સિંહની હોવાનું બહાર આવ્યું છે. તેમનો પુત્ર ગુરપ્રીત સિંહ, જે કુરિયર બોય તરીકે કામ કરે છે, તે સમયે પાર્સલ લેવા માટે ત્યાં ઊભો હતો. પોલીસે શંકાના આધારે ગુરપ્રીતને કસ્ટડીમાં લીધો છે, જોકે તેના પિતાએ તેને નિર્દોષ ગણાવ્યો છે.
હુમલા બાદ ખાલિસ્તાની સંગઠન KLA એ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ પોસ્ટમાં તેમણે 'ઓપરેશન નવા સવેરા' નો ઉલ્લેખ કર્યો છે અને ડીઆઈજી સંદીપ ગોયલ તેમજ તેમના પરિવારને નિશાન બનાવવાની ધમકી આપી છે. સંગઠને દાવો કર્યો છે કે હુમલામાં જવાનો માર્યા ગયા છે, જોકે સત્તાવાર રીતે કોઈ જાનહાનિના સમાચાર નથી. પંજાબ પોલીસ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી બોમ્બના ટુકડા મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, અમૃતસરમાં આર્મી કેમ્પ પર થયેલા હુમલા અંગે એસએસપી સોહેલ મીર કાસિમે જણાવ્યું કે બાઈક પર આવેલા બે નકાબપોશ લોકોએ વિસ્ફોટક કેમ્પ તરફ ફેંક્યો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આર્મી વિસ્તારની દિવાલ પર લગાવેલી ટીન શેડ ધરાશાયી થઈ ગઈ હતી. સદનસીબે અહીં પણ કોઈને ઈજા પહોંચી નથી. સૈન્ય અધિકારીઓ અને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે.
તપાસ એજન્સીઓનું માનવું છે કે આ હુમલાઓ પાછળ સ્લીપર સેલનો હાથ હોઈ શકે છે. પંજાબમાં ઉગ્રવાદના સમયમાં જે રીતે ભીડવાળી જગ્યાએ વાહન બોમ્બનો ઉપયોગ થતો હતો, તે જ જૂની મોડસ ઓપરેન્ડી ફરી જોવા મળી રહી છે. જલંધરનો બ્લાસ્ટ જે સ્થળે થયો ત્યાં સામાન્ય રીતે મુસાફરોની ભારે ભીડ હોય છે, પરંતુ ઘટના સમયે કોઈ બસ ત્યાં ઊભી ન હોવાથી મોટી હોનારત ટળી છે. મુખ્યમંત્રી ભગવંત માનના જલંધર પ્રવાસ પૂર્વે જ આ હુમલો થવો એ સુરક્ષા વ્યવસ્થા સામે મોટો પડકાર છે.