મુસ્લિમ મહિલા TPO પર ફાઈલ દબાવવાનો ગંભીર આરોપ !
=> મોટામવા-મુંજકા સહિતની ટીવી સ્કીમમાં વિસંગતતા ખેડૂતોનો આક્ષેપ, કાયદા વિરૂધ્ધ કપાત અને હેરાનગતિ
=> TPOના મનઘડત નિર્ણયના કારણે ખેડૂત ન્યાય સમિતિનો ઉગ્ર વિરોધ કર્યો
=> 17 વર્ષ રાહ પછી પણ ન્યાય નહીં ખેડૂતો ભડક્યા ! તંત્ર હક્ક નહીં આપે તો 100 ખેડૂતો ગમે તે હદે લડી લેવાનો નિર્ધાર કર્યો
સિટી ન્યૂઝ@રાજકોટ: રાજકોટના મોટામવા- મુંજકા- કોઠારિયા, વડવાજડી સહિતની ટીપી સ્કીમમાં ખેડૂતોના થયેલા અન્યાય પ્રશ્ને આજરોજ ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂતો દ્વારા વિવિધ બેનેરો સાથે વિરોધ કરીને ન્યાયની માંગણી કરી હતી. ટીપીઓ મોનાબેન મનઘડત નિર્ણયો લઇ મનમાની કરતા હોવાના આક્ષેપો કર્યા છે. ખેડૂતોની રજૂઆત છે કે સત્તાધિશો દ્વારા કાયદાનું ખોટું અર્થઘટન કરીને ખેડૂતોને આર્થિક અને માનસિક રીતે પાયમાલ કરવામાં આવી રહ્યા છે.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે મોટા મવા ટી.પી. સ્કીમ નં. 23 અને 24 ના ઈરાદા જાહેર થયાને આશરે 17 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છે. આ સ્કીમમાં 91% જેટલી જમીનો ભરાઈ ગઈ હોવા છતાં, ટી.પી.ઓ. દ્વારા મનસ્વી રીતે કપાત કરવાની માનસિકતા સાથે કામ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોનો આરોપ છે કે સુનાવણીમાં જે વિગતો બતાવવામાં આવે છે અને રેકોર્ડ પર જે પ્રોસિડિંગ્સ મોકલવામાં આવે છે, તેમાં મોટી વિસંગતતા હોય છે. ખેડૂતોએ મુંજકા ટી.પી. સ્કીમ નં. 18 અને 19 વચ્ચેના તફાવત અંગે પણ સવાલ ઉઠાવ્યા છે. મુંજકા-18 સ્કીમમાં કોઈપણ મૂળ માલિક પાસેથી જમીન કપાત કરવામાં આવી નથી, જ્યારે તેની સાથે જ મંજૂર થયેલ મુંજકા-19 સ્કીમમાં કપાતનું ધોરણ વધારવામાં આવ્યું છે. ખેડૂતોના મતે, જેમ જેમ અધિકારીઓ બદલાય છે તેમ નવા નવા કપાતના નિયમો થોપીને હેરાનગતિ કરવામાં આવે છે.
ખેડૂતોએ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, રુડા અને શહેરી વિકાસ મંત્રાલય સુધી લેખિત રજૂઆતો કરી છે. ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ 40, 44 અને 45 ના યોગ્ય અમલીકરણ અને અન્યાયી 40% કપાત રોકવા માટે ખેડૂતોએ ન્યાયની ગુહાર લગાવી છે. જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ખેડૂતોએ રસ્તા પર ઉતરી વિરોધ કરવાની પણ તૈયારી દર્શાવી છે.
ખેડૂતોએ કરેલા મુખ્ય આક્ષેપો અને માંગણીઓ
=> ટી.પી.ઓ. દ્વારા ઓનસ મીટિંગમાં ખેડૂતોને ખોટી બાંયધરી આપીને છેતરવામાં આવતા હોવાનો અને સત્ય હકીકત છુપાવવામાં આવતી હોવાનો આક્ષેપ છે.
=> રાજકોટ ટી.પી. સ્કીમ નં. 31 ના અંદાજે 80% ખેડૂતો સોગંદનામું કરીને સ્વતંત્ર અંતીમ ખંડ ફાળવવાની માંગ કરી રહ્યા છે. અગાઉ સ્કીમ નં. 14, 23 અને 24 માં આ મુજબ ફાળવણી થયેલ હોવાના દાખલા પણ રજૂ કરાયા છે.
=> વાજડી-વડ અને ગઢ-વાજડીમાં 40% જમીન કપાત સાથે બેટરમેન્ટ ચાર્જ પણ માંગવામાં આવી રહ્યો છે, જેની કાયદામાં કોઈ જોગવાઈ નથી તેવું ખેડૂતોનું કહેવું છે.