અમૃતસર એરપોર્ટ પર શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા!
-
અમૃતસર એરપોર્ટ પર ડ્રોન દેખાતા ઉડ્ડયન ઠપ!
-
સુરક્ષા કારણોસર ફ્લાઇટ્સ દિલ્હી અને ચંડીગઢ ડાયવર્ટ!
-
શંકાસ્પદ ડ્રોનને કારણે મુસાફરો એરપોર્ટ પર ફસાયા!
સિટી ન્યુઝ @ અમૃતસર
પંજાબના અમૃતસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની આસપાસ શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હતા, જેને પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને થોડા સમય માટે એરપોર્ટની એરસ્પેસ બંધ કરવી પડી હતી.
રવિવારે રાત્રે 10 વાગ્યા આસપાસ એરપોર્ટ ઉપર અચાનક શંકાસ્પદ ડ્રોન દેખાતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે એરપોર્ટનો રનવે તેમજ એરસ્પેસ બંધ કરી દેવામાં આવી હતી.
ડ્રોનની આ હિલચાલના કારણે સુરક્ષાના ભાગરૂપે ત્રણ મહત્વની ફ્લાઇટ્સને અન્યત્ર ડાયવર્ટ કરવી પડી હતી, જેમાં એર ઈન્ડિયાની ફ્લાઇટ દિલ્હી પરત મોકલાઈ હતી.
જ્યારે મુંબઈથી આવી રહેલી ફ્લાઇટને ચંડીગઢ અને કુઆલાલંપુરથી આવી રહેલી મલેશિયન ફ્લાઇટને દિલ્હી ડાયવર્ટ કરાઈ હતી, જેના કારણે ઉડાનનો માર્ગ બદલાતા અનેક મુસાફરો એરપોર્ટ પર જ ફસાયા હતા.
પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ મામલે સઘન તપાસ કરી રહી છે, અને પ્રાથમિક તપાસમાં આ ડ્રોન નજીકના ગામમાં ચાલી રહેલી કબડ્ડી ટુર્નામેન્ટની વીડિયોગ્રાફી માટે ઉડાવાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
ડ્રોન ત્રાસથી એરપોર્ટ સેવાઓ ઠપ
અમૃતસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શંકાસ્પદ ડ્રોન જોવા મળવાની આ કોઈ પહેલી ઘટના નથી, અગાઉ પણ આવા બનાવો બન્યા છે. સુરક્ષાના ગંભીર પ્રશ્નો વચ્ચે અચાનક એરસ્પેસ બંધ કરવી પડવાથી અને ફ્લાઇટ્સ ડાયવર્ટ થવાથી મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી છે, જે એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ખડા કરે છે.