Loading Please Wait !!!
અમદાવાદના એસવીપી એરપોર્ટ પર ચાર્ટર પ્લેનની માંગમાં ભારે ઉછાળો, મહિને ૨૦૦ જેટલા પ્લેનની અવરજવર

 

  • એરપોર્ટ પર ખાનગી એરક્રાફ્ટ લેન્ડ થવા પર ૫૦ હજારથી ૩ લાખ રૂપિયા સુધીનો લાગે છે ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચાર્જ

  • હેલિકોપ્ટર માટે એક કલાકનું ભાડું ૧ થી ૫ લાખ રૂપિયા સુધીનું હોવાની વિગતો સામે આવી

  • વેન્ચુરા, ડ્યુસ એર અને જેસ્ટ એવિએશન જેવી કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે વિશેષ સેવાઓ

સિટી ન્યુઝ @ અમદાવાદ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રાઇવેટ જેટ અને ચાર્ટર પ્લેનની માંગમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. વર્તમાન સમયમાં અમદાવાદ એરપોર્ટ પર મહિને આશરે ૨૦૦ જેટલા ચાર્ટર પ્લેનની અવરજવર (મુવમેન્ટ) થઈ રહી છે. ખાસ કરીને કોરોનાકાળ પછી લોકોની મુસાફરી કરવાની શૈલીમાં મોટો બદલાવ આવ્યો છે, અને હવે માત્ર મોટા ઉદ્યોગપતિઓ જ નહીં પરંતુ સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો પણ ફિલ્મો જેવી લક્ઝરી મુસાફરી માટે પ્રાઇવેટ જેટ અને હેલિકોપ્ટર બુક કરાવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં ચાર્ટર પ્લેનની માંગ બમણી થઈ ગઈ છે. કુંભમેળા કે અન્ય મોટા ધાર્મિક આયોજનો તેમજ ઉત્સવોના સમયે ટ્રેનોની જેમ ખાનગી એરક્રાફ્ટ માટે પણ ભારે વેઇટિંગ જોવા મળ્યું હતું. આ ઉપરાંત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL), મોટા સંગીત કોન્સર્ટ અને કોર્પોરેટ ઇવેન્ટ્સ જેવા પ્રસંગોએ પણ ખાનગી એરક્રાફ્ટની અવરજવર ખૂબ જ વધી જાય છે. મધ્ય અને ઉચ્ચ વર્ગના લોકો માટે પણ હવે આકાશમાં પ્રાઇવેટ જેટ દ્વારા સફર કરવાનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.

આ લક્ઝરી મુસાફરીના ખર્ચ અને વ્યવસ્થાપનની વાત કરીએ તો, અમદાવાદ એરપોર્ટ પર જ્યારે કોઈ ખાનગી એરક્રાફ્ટ લેન્ડ થાય છે ત્યારે અંદાજે ૫૦ હજારથી ૩ લાખ રૂપિયા સુધીનો ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચાર્જ વસૂલવામાં આવે છે. જો કોઈ પરિવાર સોમનાથ કે દ્વારકા જેવા પવિત્ર સ્થળોએ જવા માટે એરક્રાફ્ટ બુક કરાવે, તો તેનું ભાડું અંદાજે ૨.૫ લાખથી ૨૫ લાખ રૂપિયા સુધીનું હોઈ શકે છે. આ ઉપરાંત હેલિકોપ્ટર માટે એક કલાકનું ભાડું ૧ થી ૫ લાખ રૂપિયાની આસપાસ રહે છે.

અમદાવાદમાં આ સેવાઓ પૂરી પાડવા માટે વેન્ચુરા, ડ્યુસ એર અને જેસ્ટ એવિએશન જેવી નામાંકિત એવિએશન કંપનીઓ સક્રિય છે. અદાણી ગ્રુપ, ઝાયડસ, એચ એન સફલ અને નિરમા ગ્રુપ જેવી મોટી કોર્પોરેટ કંપનીઓ પાસે પોતાના વ્યક્તિગત હેલિકોપ્ટર કે પ્લેન ઉપલબ્ધ છે. હાલ અમદાવાદ એરપોર્ટ પર ખાનગી મુસાફરી અને સુવિધાઓ માટે અંદાજે ૨૦ જેટલા એરક્રાફ્ટ અને ૧૨ જેટલા સમર્પિત પાર્કિંગ સ્ટેન્ડ કાર્યરત છે, જે એવિએશન સેક્ટરના સતત વધી રહેલા વ્યાપને દર્શાવે છે.

કોર્પોરેટ એવિએશન અને ટ્રેન્ડ

પરિવહન ક્ષેત્રે ટેક્નોલોજી અને ગ્રાહકોની બદલાતી આર્થિક ક્ષમતાને કારણે ખાનગી વિમાનોની માંગ વધવી એ આધુનિક બિઝનેસ અને લાઈફસ્ટાઈલ કલ્ચરનો મહત્વપૂર્ણ હિસ્સો બની રહી છે.