સુરેન્દ્રનગરમાં કલ્હાર નવરાત્રી 2026નું ભૂમિપૂજન કરાયું
-
ઝાલાવાડમાં નવરાત્રી પર્વની ઉજવણીનો ધમધમાટ શરૂ
-
મુક્તિદાન ગઢવી અને અમૃતા ભારતી સૂર રેલાવશે
-
સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે વિશેષ વ્યવસ્થા
સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતે આગામી નવરાત્રી પર્વને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં 'કલ્હાર નવરાત્રી ૨૦૨૬' ના પાંચમા વર્ષના ભવ્ય આયોજન માટે શુભારંભ રૂપે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ઝાલાવાડ પંથકમાં નવરાત્રી મહોત્સવની ઉજવણીને લઈને અત્યારથી જ ગરબાના આયોજનોનો જોરશોરથી ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે.
આયોજકો દ્વારા ગરબા રમવા આવનાર ખેલૈયાઓની સુરક્ષા, સુવિધા અને શાંતિપૂર્ણ વાતાવરણ મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. મેદાન પર વિશાળ જગ્યા, આકર્ષક અને સુંદર લાઇટ ડેકોરેશનની સાથે-સાથે ખેલૈયાઓ અને દર્શકો માટે તમામ જરૂરી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે.
આ વર્ષના આયોજનની વિશેષતા એ છે કે તેમાં જાણીતા અને પ્રતિષ્ઠિત કલાકારો મુક્તિદાન ગઢવી, અમૃતા ભારતી અને અંકુર દવે પોતાના સૂરથી વાતાવરણને સંગીતમય બનાવશે. ઉલ્લેખનીય છે કે મુક્તિદાન ગઢવી પ્રખ્યાત કીર્તિદાન ગઢવીના ગ્રુપ સાથે જોડાયેલા છે, જ્યારે અમૃતા ભારતી એ.આર. રહેમાનના લોકપ્રિય ગ્રુપમાં ગાયક કલાકાર તરીકે સેવા આપે છે.
કલ્હાર પરિવાર દ્વારા નવદુર્ગાની પવિત્ર આરાધના સાથે ખેલૈયાઓને પરંપરાગત અને અર્વાચીન બંને પ્રકારના ગરબાની અદભુત મોજ માણવા મળે તેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અગાઉથી જ શરૂ થયેલી તૈયારીઓના કારણે સુરેન્દ્રનગરના ગરબા રસિકો અને યુવા વર્ગમાં ભારે થનગનાટ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નવરાત્રી એ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ અને આસ્થાનું મોટું પર્વ છે, ત્યારે આવા આયોજનો લોકોમાં પરસ્પર પ્રેમ, ઉર્જા અને ઉત્સવનો માહોલ વધારે છે. કલ્હાર નવરાત્રીનું આ પાંચમું વર્ષ સુરેન્દ્રનગરવાસીઓ માટે એક યાદગાર અને દિવ્ય મહોત્સવ સાબિત થશે તેવી પૂરી સંભાવના છે.
સાંસ્કૃતિક પર્વ અને ગરબાની પરંપરા
નવરાત્રી એ શક્તિની ઉપાસના અને ગરબાના તાલે ઝૂમવાનો અનોખો અવસર છે. સુરેન્દ્રનગરમાં યોજાતા આવા ભવ્ય મહોત્સવો સ્થાનિક કલાકારોને મંચ પૂરું પાડવાની સાથે-સાથે યુવા પેઢીને આપણી સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે.