Loading Please Wait !!!
એશિયન ગેમ્સમાં ખરાબ પ્રદર્શન પર સમીક્ષા બેઠક, રમત મંત્રાલય દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી

  • સાતસો કરોડ રૂપિયા ખર્ચવા છતાં નિરાશાજનક પરિણામ

  • પેરા શૂટર્સના વિવાદ વચ્ચે મોટા આક્ષેપો થયા

  • રમત મંત્રી મનસુખ માંડવિયા ખેલાડીઓને મળશે

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

ખેલાડીઓની તૈયારી પાછળ ત્રણ વર્ષમાં રૂપિયા 700 કરોડથી વધુ પાણીની જેમ વહાવવા છતાં આઇચી-નાગોયા એશિયન ગેમ્સમાં ભારતનાં મેડલોની સંખ્યા ઘટવા પર રમત મંત્રાલય અત્યંત કડક બન્યું છે. આ નિરાશાજનક પ્રદર્શનની ગંભીર નોંધ લેતાં મંત્રાલયે આગામી 13 ઓક્ટોબરે રાષ્ટ્રીય રમત મહાસંઘોની એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક બોલાવી છે, જેમાં શૂટિંગ, બેડમિન્ટન અને એથ્લેટિક્સ જેવી રમતોમાં સિનિયર અને અનુભવી ખેલાડીઓના નબળાં પ્રદર્શન અંગે આકરી જવાબદેહી નક્કી કરવામાં આવશે.

મંત્રાલયના એક વરિષ્ઠ સૂત્રના જણાવ્યાં અનુસાર, ભારે આર્થિક રોકાણ પછી ભારતને ઓછામાં ઓછા 150 મેડલ મળવા જોઈતાં હતાં, પરંતુ દેશનાં સ્થાપિત ખેલાડીઓ 'કમ્ફર્ટ ઝોન'માં દેખાયા હતા. ઓલિમ્પિક પદક વિજેતાઓની હાજરી છતાં બેડમિન્ટનમાં માત્ર એક બ્રોન્ઝ મળ્યો, જ્યારે પિસ્તોલ શૂટરો ખાલી હાથે પાછા ફર્યા હતા. કુલ 23 સ્પર્ધાઓમાં 89 અનુભવી ખેલાડીઓ નિષ્ફળ રહ્યા, જ્યારે પહેલીવાર ઉતરેલા 310માંથી 106 યુવાનોએ મેડલ જીતીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

હાંગઝોઉ 2023 એશિયન ગેમ્સમાં ભારતે રેકોર્ડ 106 મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો, પરંતુ નાગોયા 2026 માં ભારતીય ટુકડી માત્ર 85 મેડલ પર જ સીમિત રહી ગઈ. આ સિવાય નાગોયા પહોંચ્યાં પછી કેટલાક એથ્લેટ્સ દ્વારા ઈજાઓ છુપાવવા અને મોડા ખુલાસા કરવા પર પણ મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી છે. મંત્રાલય હવે 'ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ' (TOPS) ના ફંડિંગની પણ નવેસરથી કડક સમીક્ષા કરશે કારણ કે 9 સ્પર્ધાઓના 34 ખેલાડીઓ પર 27 કરોડ રૂપિયા ખર્ચ કરવા છતાં પરિણામો નબળા રહ્યા છે.

એક તરફ એશિયન ગેમ્સના પ્રદર્શન પર સવાલો ઊઠી રહ્યાં છે, તો બીજી તરફ પેરા એશિયન ગેમ્સ (18-24 ઓક્ટોબર) પહેલાં પસંદગીને લઈને મોટો વિવાદ વધી ગયો છે. ગુરુવારે ભારતીય દળના વિદાય સમારંભમાં એ સમયે હંગામો થયો જ્યારે ટીમમાંથી બહાર કરાયેલા પેરા નિશાનેબાજોએ આયોજન સ્થળની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન અને નારેબાજી કરી. ખેલાડીઓએ પસંદગી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર અને પક્ષપાતના ગંભીર આક્ષેપો લગાવ્યાં છે અને કોચ સામે પણ કમિશન માંગવાના આરોપો મૂક્યા છે.

આ ગંભીર મામલે કેન્દ્રીય રમત મંત્રી મનસુખ માંડવિયા શુક્રવારે પ્રદર્શન કરી રહેલા પેરા શૂટરો સાથે સીધી મુલાકાત કરશે અને તેમની ફરિયાદોના નિવારણનો પૂરો પ્રયાસ કરશે. જો કે, આ તમામ ઘટનાક્રમ વચ્ચે સરકારી સહાય અને ખેલાડીઓની જવાબદારી વચ્ચેના સમન્વય પર ગંભીર સવાલો ઊભા થયા છે, જે આગામી સમયમાં રમત ક્ષેત્રે મોટા વહીવટી ફેરફારો તરફ ઈશારો કરે છે.

રમતગમત અને પારદર્શિતા

ખેલાડીઓના વિકાસ માટે સરકારી ભંડોળનો યોગ્ય ઉપયોગ અને પસંદગી પ્રક્રિયામાં પારદર્શિતા હોવી એ દેશની રમતગમતની પ્રગતિ માટે અત્યંત જરૂરી છે.