Loading Please Wait !!!
75 વર્ષની યાત્રા : સોમનાથ; તૂટ્યું પણ ન ઝૂક્યું

  • આસ્થા અને સ્વાભિમાનનું પ્રતિક

જય સોમનાથ! : 2026ની શરૂઆતમાં, હું સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ માટે સોમનાથ ગયો હતો. હવે, હું 11મી મેના રોજ ફરીથી સોમનાથમાં હોઈશ, જે ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પુનનિર્મિત મંદિરના ઉદ્ઘાટનના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે હશે. અડધા વર્ષથી ઓછા સમયમાં, સોમનાથ સાથે સંબંધિત બે મહત્વપૂર્ણ સીમાચિહ્નો અને જેને આપણે વિધ્વંસથી સૃજન કહીએ છીએ તે યાત્રામાં સહભાગી થવું એ મારા માટે સૌભાગ્યની વાત છે.

આપણા પ્રાચીન શાસ્ત્રો કહે છે... તેનો અર્થ એ છે કે, દિવ્ય પ્રભાસ (સોમનાથ)ની પ્રદક્ષિણા એ સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરવા સમાન છે! આ અસંખ્ય મહાત્માઓને યાદ કરવાનો પણ સમય છે. લકુલીશ અને સોમ શરમને પ્રભાસને દર્શનશાસ્ત્રના એક ભવ્ય કેન્દ્રમાં પરિવર્તિત કર્યું હતું. વલ્લભીના ચક્રવર્તી મહારાજા ધરસેન (ચોથા)એ સદીઓ પહેલા ત્યાં બીજા મંદિરનું નિર્માણ કર્યું હતું. ભીમદેવ, જયપાલ અને આનંદપાલને આક્રમણો સામે સભ્યતાના સન્માનના રક્ષણ માટે હંમેશા યાદ રાખવામાં આવશે.

એવું કહેવાય છે કે રાજા ભોજે પણ પુનનિર્માણમાં મદદ કરી હતી. ગુજરાતની રાજકીય અને સાંસ્કૃતિક શક્તિને પુનસ્થાપિત કરવામાં કર્ણદેવ અને સિદ્ધરાજ જયસિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભાવ બૃહસ્પતિ, કુમારપાળ સોલંકી અને પાશુપત આચાર્યોએ આ પવિત્ર ધામને પૂજા અને શિક્ષણના મહાન કેન્દ્ર તરીકે પુનનિર્મિત કર્યું અને ટકાવી રાખ્યું. વિશળદેવ વાઘેલા અને ત્રિપુરાંતકે તેની બૌદ્ધિક અને આધ્યાત્મિક પરંપરાઓનું રક્ષણ કર્યું. વિનાશ પછી પૂજા પુનજીવિત કરવામાં મહીપાળદેવ અને રા ખેંગાર નિમિત્ત બન્યા હતા. પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકર જેમની 300મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે, તેમણે અત્યંત મુશ્કેલ સમયમાં ભક્તિની નિરંતરતા સુનિશ્ચિત કરી હતી. વડોદરાના ગાયકવાડ હતા, જેમણે યાત્રાળુઓના અધિકારોનું રક્ષણ કર્યું હતું. અને અલબત્ત, આપણી ભૂમિ વીર હમીરજી ગોહિલ અને વીર વેગડાજી ભીલ જેવા બહાદુર વ્યક્તિત્વોને ઉછેરવા માટે ધન્ય છે, જેમનું બલિદાન અને સાહસ સોમનાથની જીવંત સ્મૃતિનો ભાગ બની ગયા છે.

1940ના દાયકામાં જ્યારે સ્વતંત્રતાની લહેર સમગ્ર ભારતમાં ફેલાઈ હતી. સરદાર પટેલ જેવા કદાવર નેતાઓના નેતૃત્વમાં નવા પ્રજાસત્તાકનો પાયો નખાઈ રહ્યો હતો, ત્યારે એક વાત તેમને સતત ઊંડે સુધી પરેશાન કરતી હતી... સોમનાથની દુર્દશા. 13 નવેમ્બર 1947ના રોજ દિવાળીના સમયે તેઓ મંદિરના જર્જરિત અવશેષો પાસે હાથમાં સમુદ્રનું પાણી લઈને ઊભા રહ્યા અને કહ્યું, ગુજરાતી નવા વર્ષના આ પવિત્ર દિવસે, અમે નક્કી કર્યું છે કે સોમનાથનું પુનનિર્માણ થવું જોઈએ. તમે, સૌરાષ્ટ્રના લોકો, તમારો શ્રેષ્ઠ પ્રયાસ કરો. આ એક પવિત્ર કાર્ય છે જેમાં સૌએ સહભાગી થવું જોઈએ.

દુર્ભાગ્યવશ સરદાર પટેલને તે સ્વપ્નને સાકાર થતું જોવા મળ્યું નહીં, જેના માટે તેમણે ખુદને સમર્પિત કરી દીધા હતા. તેમના વિઝનને કનૈયાલાલ મુનશીએ આગળ ધપાવ્યું, જેમાં નવાનગરના જામસાહેબનો પૂરો સહયોગ મળ્યો હતો.
1951માં જ્યારે મંદિરનું કામ પૂર્ણ થયું ત્યારે ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને આ સમારોહ માટે બોલાવવાનું નક્કી કરાયું. તત્કાલીન વડાપ્રધાન પંડિત નેહરુના સખત વિરોધ છતાં ડૉ. પ્રસાદે આ સમારોહમાં હાજરી આપી હતી, જેમણે આ પ્રસંગને વધુ વિશેષ અને ઐતિહાસિક બનાવ્યો હતો.

મારું મન ઓક્ટોબર 2001ના સમયને પણ યાદ કરે છે, જ્યારે મેં મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો જ હતો. 31 ઓક્ટોબર 2001, સરદાર પટેલની જયંતિના રોજ, ગુજરાત સરકારને સોમનાથ મંદિરના દ્વાર ખૂલ્યાને 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કાર્યક્રમ યોજવાનું સન્માન મળ્યું હતું. તે સરદાર પટેલની 125મી જન્મજયંતીની ઉજવણી સાથે પણ સુસંગત હતું. તત્કાલીન વડાપ્રધાન અટલજી અને તત્કાલીન ગૃહમંત્રી એલ.કે. અડવાણીએ કાર્યક્રમમાં હાજરી આપીને ઉજવણીને ગરીમા આપી હતી.

હું બધા દેશવાસીઓને સોમનાથની યાત્રા કરવાનો આગ્રહ કરું છું. તમે સોમનાથના કિનારે ઊભા રહો છો ત્યારે તેના પ્રાચીન પડઘાઓને તમારી અંદર અનુભવો છો. તમે માત્ર ભક્તિથી અભિભૂત થતા નથી, પણ એક એવી સભ્યતાની મજબૂત ભાવનાનો પણ અનુભવ કરો છો, જે ક્યારેય ક્ષીણ થતી નથી, જે અખંડ અને અટલ છે. તમે ભારતની અદમ્ય ભાવનાનો અનુભવ કરશો.

તમે જ્યારે સોમનાથના કિનારે ઊભા રહો ત્યારે તેના પ્રાચીન પડઘાને તમારી અંદર અનુભવશો. તમે માત્ર ભક્તિથી અભિભૂત નહીં થાવ, પણ એક એવી સભ્યતાની મજબૂત ભાવનાનો પણ અનુભવ કરશો જે ક્યારેય ક્ષીણ થતી નથી, જે અખંડ અને અટલ છે.