સિહોર પોલીસનો સપાટો: સ્વિફ્ટ કારની ડિક્કીમાંથી નીકળ્યો વિદેશી દારૂનો જથ્થો, સાગવાડીનો શખ્સ ઝબ્બે!
- 3.65 લાખનો મુદ્દામાલ જપ્ત - લીલાપીર પાસે વોચ ગોઠવીને લક્ઝરી કારમાં ચાલતું સ્મગલિંગ પકડાયું
- બાતમીના આધારે મધરાતે પોલીસનું ઓપરેશન - દારૂ અને કાર સહિત લાખોની મત્તા કબજે લેવાઈ
- ટાણા ચોકડી પાસે પોલીસે બિછાવ્યું જાળું - બીયરના ટીન અને ઈંગ્લીશ દારૂની બોટલોનો ખડકલો
ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસે બાતમીના આધારે એક મોટી સફળતા મેળવી છે. સિહોર પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન લીલાપીર વિસ્તારમાં વોચ ગોઠવીને એક સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે સાગવાડી ગામના એક શખ્સની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બાતમી મળી અને પોલીસ એક્શનમાં આવી સિહોર પોલીસ સ્ટેશનની ટીમ જ્યારે ટાણા ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે સાગવાડી ગામનો હાર્દિક મકવાણા પોતાની સફેદ રંગની સ્વિફ્ટ કાર (નંબર GJ-04-EA-3683) માં વિદેશી દારૂનો જથ્થો ભરીને સિહોર તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક લીલાપીર વિસ્તારમાં નાકાબંધી કરીને વોચ ગોઠવી દીધી હતી.
ડિક્કી ખોલતા જ ફૂટ્યો ભાંડો મોડી રાત્રે શંકાસ્પદ કાર આવતા પોલીસે તેને અટકાવી હતી. કારચાલક હાર્દિકની પૂછપરછ બાદ જ્યારે કારની ડિક્કીની તલાશી લેવામાં આવી, ત્યારે તેમાં જબલાઓમાં ભરેલી અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે ગણતરી કરતા કુલ 114 નંગ દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત ₹65,100 અંકાય છે.
કાર સહિત મુદ્દામાલ જપ્ત પોલીસે દારૂના જથ્થા સાથે હેરફેરીમાં વપરાયેલી ₹3 લાખની કિંમતની સ્વિફ્ટ કાર પણ કબજે કરી છે. આમ, કુલ ₹3,65,100 ના મુદ્દામાલ સાથે 22 વર્ષીય હાર્દિક મકવાણા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સિહોરમાં કોને સપ્લાય કરવાનો હતો.