Loading Please Wait !!!
ગિરનારના સાબર પ્લાસ્ટિક ખાવા મજબૂર: ભવનાથમાં વન વિભાગના 'પ્લાસ્ટિક મુક્ત' દાવાઓની ઉડી ધજ્જિયા!

  • એડિટોરિયલ વીડિયોમાં કેદ થઈ કડવી વાસ્તવિકતા - ઇકો-સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિકનો કચરો વન્યજીવો માટે 'ધીમું ઝેર'
  • પ્રકૃતિના ધામમાં પ્રદૂષણનો રાક્ષસ - વન્યજીવોના અસ્તિત્વ પર જોખમ છતાં તંત્ર હજુ પણ મૌન
  • માત્ર કાગળ પર જ છે પ્લાસ્ટિક પ્રતિબંધ? ભવનાથ માર્ગ પર સાબર કચરો ખાતું હોવાના દ્રશ્યોએ જગાવી ચિંતા

પ્રકૃતિ અને પરમેશ્વરનો સંગમ ગણાતા જૂનાગઢના ગિરનાર પર્વત અને ભવનાથ ક્ષેત્રમાં વન્યજીવોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર બેદરકારી છતી થઈ છે. ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરાયેલા આ વિસ્તારમાં પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ હોવા છતાં, વાસ્તવિકતા કંઈક અલગ જ છે. તાજેતરમાં સામે આવેલા એક વીડિયોમાં ભવનાથ માર્ગ પર જંગલની સરહદ પાસે એક સાબર ખોરાકની શોધમાં પ્લાસ્ટિકની કોથળીઓ અને ઝેરી કચરો ખાતું નજરે પડ્યું છે.

દાવા પોકળ, વાસ્તવિકતા બિહામણી વન વિભાગ દ્વારા દર વર્ષે 'પ્લાસ્ટિક મુક્ત ગિરનાર' માટે મોટા પાયે પ્રચાર કરવામાં આવે છે અને પ્રવાસીઓ પાસેથી પ્લાસ્ટિક જપ્ત કરવાના દાવા થાય છે. પરંતુ ભવનાથના મુખ્ય માર્ગો પર ખડકાયેલા કચરાના ઢગલા આ દાવાઓની ક્રૂર મજાક ઉડાવી રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે વન્યજીવ બિન્દાસ્તપણે રસ્તો ક્રોસ કરી કચરામાં મોઢું મારી રહ્યું છે. આ પ્લાસ્ટિક સાબરના પેટમાં જવાથી તેના આંતરડામાં અવરોધ ઊભો કરે છે, જે આખરે વન્યજીવના કરુણ મોતનું કારણ બને છે.

ક્યાં છે વન વિભાગનું પેટ્રોલિંગ? ગિરનારના જંગલને સુરક્ષિત રાખવા માટે કરોડોનું બજેટ ફળવાય છે અને હજારો કર્મચારીઓ તૈનાત છે, તેમ છતાં જંગલના દ્વાર પર જ આટલી ગંદકી કેવી રીતે શક્ય છે? પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવતી ચીજવસ્તુઓ અને પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવામાં વન વિભાગ અને સ્થાનિક તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેમ જણાય છે. અગાઉ પણ આવા અનેક વીડિયો સામે આવ્યા છે, પરંતુ વન વિભાગ હજુ પણ 'ઘોર નિંદ્રા' માંથી જાગ્યું નથી.

પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ જૂનાગઢના પર્યાવરણ પ્રેમીઓ માગ કરી રહ્યા છે કે વન વિભાગ માત્ર કાગળ પરના પરિપત્રો કરવાને બદલે ગ્રાઉન્ડ લેવલ પર કડક બને. ઇકો-ઝોનમાં ગંદકી કરનારા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ સામે કડક દંડનીય કાર્યવાહી થવી જોઈએ. જો આ અબોલ જીવોના ખોરાકમાં પ્લાસ્ટિક જતું નહીં અટકાવવામાં આવે, તો આવનારા સમયમાં ગિરનારના અમૂલ્ય વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે.

હવે જોવાનું એ રહેશે કે આ વીડિયો બાદ વન વિભાગ જાગીને કોઈ નક્કર પગલાં ભરે છે કે પછી ફરી એકવાર 'તપાસના આદેશ' આપીને વાતને રફેદફે કરી દેવામાં આવે છે.