Loading Please Wait !!!
વિસાવદરના રતાંગમાં સિંહનો રૂદ્રાવતાર: શિકાર છોડી માસૂમ બાળકી પાછળ દોટ મૂકી, વીડિયો જોઈ કાળજું કંપી ઉઠશે

 

  • ટોર્ચના પ્રકાશ અને લોકોના દેકારાથી ભડક્યો વનરાજ; સેલ્ફી અને વીડિયોના મોહમાં જીવ જોખમમાં મૂકતા ગ્રામજનો

  •  લોકોની ચીસાચીસથી ગુંજ્યું ગામ- મારણ વખતે ખલેલ પહોંચાડતા સિંહ આક્રમક બન્યો; ગીરમાં માનવ-વન્યજીવ સંઘર્ષની લાલબત્તી

  • વાયરલ વીડિયોએ તંત્રની ઉદાસીનતા છતી કરી; વહીવટદાર ઘટનાથી અજાણ હોતા વન વિભાગના સંકલન પર ઉઠ્યા સવાલ

    જૂનાગઢ : ગીર સોમનાથ અને જૂનાગઢના સરહદી ગામડાઓમાં સિંહોની અવરજવર હવે સામાન્ય બની છે, પરંતુ વિસાવદરના રતાંગ ગામે બનેલી એક હચમચાવી દે તેવી ઘટનાએ વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા જન્માવી છે. ગામની શેરીમાં પશુનું મારણ કરી રહેલા એક ડાલાપથ્થા સિંહને જોવા ઉમટેલા ટોળાએ તમામ મર્યાદાઓ ઓળંગી હતી. મોબાઈલની ફ્લેશ લાઈટ અને સતત થતા ઘોંઘાટથી સિંહ એકાએક વિચલિત થયો હતો અને શિકાર છોડી નજીક ઉભેલી એક નાનકડી બાળકી પાછળ દોટ મૂકતા અફરાતફરી મચી ગઈ હતી.

    સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ 'ખૌફનાક' વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સિંહ શાંતિથી પોતાનો ખોરાક આરોગી રહ્યો હતો. આ સમયે લોકો જીવના જોખમે સેલ્ફી અને વીડિયો ઉતારવા માટે સિંહની સાવ નજીક પહોંચી ગયા હતા. અંધારામાં મોબાઈલના તીવ્ર પ્રકાશ અને લોકોની નિકટતાને કારણે વનરાજે રક્ષણાત્મક રીતે આક્રમક વલણ અપનાવ્યું હતું. સદનસીબે, બાળકી પાછળ સિંહે દોટ મૂકતા જ લોકોએ એકસાથે જોરથી દેકારો કર્યો હતો, જેનાથી ભડકીને સિંહ પાછો વળી ગયો હતો અને મોટી હોનારત ટળી હતી.

    આ ગંભીર ઘટના બાદ સ્થાનિક તંત્રની ઉદાસીનતા પણ સપાટી પર આવી છે. રતાંગ ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી અને હાલ ત્યાં વહીવટદારનું શાસન છે. આટલી મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હોવા છતાં ગામના વહીવટદાર ચિરાગ ઠુમ્મરે આ ઘટનાથી પોતે અજાણ હોવાનું જણાવીને આશ્ચર્ય જન્માવ્યું છે. વન વિભાગ અને સ્થાનિક પ્રશાસન વચ્ચેના સંકલનના અભાવે જંગલના રાજા હવે ગામની શેરીઓ સુધી પહોંચી રહ્યા છે અને જનતા જોખમી કુતૂહલનો ભોગ બની રહી છે.

    ગીરના સિંહો અને માનવીઓ વચ્ચેના સંઘર્ષની આ ઘટના એક ગંભીર લાલબત્તી સમાન છે. વન વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે કે સિંહ જ્યારે શિકાર કરતો હોય કે મારણ આરોગતો હોય ત્યારે તેને ક્યારેય ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. સિંહ મૂળભૂત રીતે શાંત પ્રકૃતિનો પ્રાણી છે, પરંતુ જ્યારે તેને ચારેબાજુથી ઘેરી લેવામાં આવે કે પ્રકાશ ફેંકીને પરેશાન કરવામાં આવે ત્યારે તે હુમલો કરી શકે છે. રતાંગની આ ઘટનામાં એક માસૂમ બાળકી સિંહનો શિકાર બનતા સહેજમાં બચી ગઈ છે.

    વન વિભાગે હવે આ મામલે કડક વલણ અપનાવવાની જરૂર છે. વીડિયોમાં દેખાતા જવાબદાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે. સિંહો પ્રત્યેનું આડેધડ કુતૂહલ ગમે ત્યારે શોકમાં ફેરવાઈ શકે છે. ગ્રામજનોએ પણ સમજવાની જરૂર છે કે સિંહ એ જંગલનો રાજા છે અને તેની પ્રાઈવસીમાં ખલેલ પાડવી એ મોતને આમંત્રણ આપવા સમાન છે.