"ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 'જંગ': જજ અને વકીલ સામસામે, 'મિસ્ટર... તમે તમારી ખુરશી સંભાળો' કહી વકીલે મચાવ્યો હોબાળો"
- બાર કાઉન્સિલની જીતના સરઘસમાં ઢોલ-નગારા મુદ્દે તકરાર - વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ
- એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલાના વિજય સરઘસમાં જજ સાથે ઉગ્ર બોલાચાલી - કોર્ટની ગરિમા લજવાઈ
- શાંતિ જાળવવા કહેતા જજ સામે વકીલ રોષે ભરાયા - ફૂલોનો હાર ઉછાળી ઢોલ વગાડવા આદેશ આપ્યો
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રાંગણમાં આજે એક એવી ઘટના બની જેણે ન્યાયિક જગતમાં મોટો વિવાદ છેડ્યો છે. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં સતત ત્રીજી વખત જીત મેળવનાર એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલાના વિજય સરઘસ દરમિયાન ઢોલ-નગારા વગાડવા બાબતે જજ અને વકીલ વચ્ચે જાહેરમાં તડાફડી થઈ હતી.
શાંતિ જાળવવા મુદ્દે જામી પડી આજે સવારે 10:30 વાગ્યે રૂપમ ચોકથી કોર્ટ સુધી નીકળેલા વિજય સરઘસમાં વકીલો અને સમર્થકો ઉત્સાહમાં હતા. ઢોલ-નગારા અને ફટાકડાના ભારે ઘોંઘાટથી કોર્ટની કાર્યવાહીમાં અડચણ ઉભી થઈ હતી. આ જોઈને ડિસ્ટ્રિક્ટ જજ પોતે બહાર દોડી આવ્યા હતા અને અવાજ બંધ કરવા સૂચના આપી હતી. જોકે, આ સૂચનાથી વિજેતા ઉમેદવાર અને વકીલ અનિરુદ્ધસિંહ ઝાલા ઉશ્કેરાઈ ગયા હતા.
વાયરલ વીડિયોના આઘાતજનક સંવાદો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં વકીલ જજ સામે ઉગ્ર અવાજે દલીલ કરતા સંભળાય છે. વકીલે જાહેરમાં કહ્યું, "મિસ્ટર... તમે તમારી ખુરશી સંભાળો... ઓ ડિસ્ટ્રિક્ટ જજ... તમે ડિસ્ટ્રિક્ટ જજ છો ત્યાં જઈને બેઠા ઓર્ડર કરો... એ વગાડ... હું બેઠો છું... વગાડ... વગાડ..." આ દરમિયાન વકીલે પોતાના ગળામાં રહેલા હારને પણ ઉછાળ્યો હતો અને ઢોલ વગાડવાનું ચાલુ રાખવા આદેશ આપ્યો હતો.
શું કહેવું છે વકીલનું? આ મામલે અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, વકીલોમાં હેટ્રિક જીતને લઈને ભારે ઉત્સાહ હતો અને આ એક સહજ વિજય સરઘસ હતું. જોકે, કોર્ટ સંકુલમાં જજ અને વકીલ વચ્ચે થયેલી આ ઉગ્ર બોલાચાલીને કારણે સમગ્ર દિવસ દરમિયાન વકીલ મંડળ અને ન્યાયિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાએ કોર્ટની ગરિમા અને શિસ્ત સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.