વડોદરાના બાજવામાં તસ્કરોનો આતંક: એક જ રાતમાં 5 દુકાનોના શટર તોડ્યા, બાઇકની પણ ચોરી કરી તસ્કરો ફરાર
-
ગાંધી રોડ પર વેપારીઓમાં રોષ- CCTV માં બે શખ્સો કેદ; રોકડ અને કિંમતી સામાન મળી 53 હજારનો મુદ્દામાલ ચોરાયો
-
જવાહરનગર પોલીસ એક્શનમાં- સચીન ટ્રેડર્સ સહિત 5 સ્ટોર્સમાં ચોરી; મસાલાની બરણીઓ પણ ન છોડી!
-
સચીન કેલાની ફરિયાદ બાદ તપાસ તેજ- નરેશ પ્રોવિઝન અને ઘનલક્ષ્મી સ્ટોર્સમાં પણ ચોરી; બાઇક ચોરીથી ફફડાટ
વડોદરા: વડોદરા નજીક આવેલ બાજવા વિસ્તારના ગાંધી રોડ પર તસ્કરોએ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતા એક સાથે પાંચ દુકાનોને નિશાન બનાવી હતી. અજાણ્યા તસ્કરોએ મોડી રાત્રે દુકાનોના શટર તોડી અંદરથી રોકડ અને સામાનની ચોરી કરી હતી. આટલું જ નહીં, નજીકમાં પાર્ક કરેલી એક મોટરસાઈકલ પણ તસ્કરો હંકારી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, બાજવા ખાતે ‘સચીન ટ્રેડર્સ’ નામની દુકાન ચલાવતા સચીન કેલાને ૨૩ એપ્રિલની રાત્રે હોમગાર્ડ જવાનનો ફોન આવ્યો હતો કે તેમની દુકાનનું શટર ખુલ્લું છે. સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે દુકાનમાંથી ₹5,000 રોકડા ગુમ હતા. તપાસ દરમિયાન આસપાસની અન્ય ચાર દુકાનો - ઘનલક્ષ્મી જનરલ સ્ટોર્સ, નરેશ પ્રોવિઝન, પરમેશ્વર પ્રોવિઝન અને ચામુંડા ટ્રેડર્સમાં પણ ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. તસ્કરોએ નાની પરચુરણ રોકડથી લઈને ગરમ મસાલાની બરણીઓ પણ ચોરી લીધી હતી.
વેપારી સચીન કેલાના મિત્ર અશોક શાહની રવી ટોકીઝ પાસે પાર્ક કરેલી બાઇકની પણ તે જ રાત્રે ચોરી થઈ હતી. આમ, કુલ ₹53,000 નો મુદ્દામાલ ચોરાતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સીસીટીવી ફૂટેજમાં બે શંકાસ્પદ શખ્સો દુકાનો પાસે હલચલ કરતા દેખાઈ રહ્યા છે. જવાહરનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ગુનેગારોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. વેપારીઓએ પોલીસ પાસે રાત્રિના સમયે પેટ્રોલિંગ સઘન બનાવવાની માંગ કરી છે.