ગુડ ન્યૂઝ : 74 કરોડનો સાંઢિયાપૂલ તૈયાર; નવા મેયરના હાથમાં જશ !
=> ટ્રાફિકનો અંત : દરરોજ 1 લાખ વાહનચાલકોને મોટી રાહત
=> શહેરની કનેક્ટિવિટી સુધરશે, લોકો માટે ડેઇલી ટ્રાવેલ વધુ સરળ બનશે
=> રાજકોટના હજારો વકિલોને ટ્રાફિકજામથી હવે મોટી રાહત મળશે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરથી જામનગર-દ્વારકા તરફ જતા વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જૂના એરપોર્ટ નજીક રેલવે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થતા ટૂંકસમયમાં ખુલ્લો મુકાશે. આ બ્રિજ શરૂ થતા જ દરરોજ અંદાજિત ૧ લાખ વાહનચાલકોને સમય અને ઈંધણની બચત થશે. છેલ્લા ૨ વર્ષથી બ્રિજની કામગીરી ચાલુ હોવાના કારણે રાજકોટ ત્રિકોણબાગથી જામનગર તરફ જતા વાહનચાલકોએ ૧૦ કિમીનો ચકરાવો લઈ માધાપર ચોકડી પહોંચવું પડી રહ્યું છે. જે અંતર ઘટીને હવે ૫ કિમી થઈ જશે.
રાજકોટ જામનગર રોડ પર ૪૬ વર્ષ જૂના સાંઢિયા પુલની જર્જરિત હાલત હોવાથી રૂ.૭૪.૩૨ કરોડના ખર્ચે તેના નવીનીકરણ સાથે ફોરલેન બ્રિજ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો જેથી ૭ માર્ચ ૨૦૨૪ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ પછી મે ૨૦૨૪થી લોકોની અવરજવર માટે આ પુલને બંધ કરી ડાયવર્ઝન જાહેર કરી બાદમાં પુલને તોડી ફોરલેન બ્રિજ બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આજે બે વર્ષના અંતે સાંઢિયો પુલ ફોરલેન ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ચૂક્યો છે જેના થકી રોજ બરોજ રાજકોટ શહેરના જામનગર રોડ પર રહેતા અને રાજકોટથી જામનગર તેમજ દ્વારકા, મોરબી અને કચ્છ તરફ જતા વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે.
સ્ટ્રોમ વોટરનાં નિકાલ માટે પણ ખાસ બે આર.સી.સી. બોક્ષ કલવર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બ્રિજમાં આર.સી.સી. વોલની લંબાઈ અંદાજિત ૧૬૮ મીટર રાખવામાં આવી છે. આ બ્રિજ બનવાથી રાજકોટનાં લાખો લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે. જેમાં હોસ્પિટલ ચોકથી રેલનગર, બજરંગવાડી, શીતલપાર્ક, માધાપર, ઘંટેશ્વર, મોરબી રોડ અને ૧૫૦ ફૂટ રિંગ રોડ પર જવા માટે લોકો સરળતાથી આ બ્રિજનો ઉપયોગ કરી શકશે જેથી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે સાથે સાથે સમય અને ઈંધણનો પણ બચાવ થશે. શહેરની અંદર પણ આ કારણે થતી ટ્રાફિક સમસ્યામાંથી લોકોને મહંદશે ફાયદો થતો જોવા મળશે.
2 લેન ઓવરબ્રિજ તોડીને ફોરલેન કરવામાં આવ્યો
૪૬ વર્ષ પહેલા અહીંયા ટુ-લેન પુલ તૈયાર કરવામાં આવ્યો હતો અને તે સાંઢિયાપુલ તરીકે ઓળખાતો હતો સમય જતા તેની હાલત જર્જરિત બનતા ભારે વાહનો માં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો અને બાદમાં મનપા દ્વારા તેના નવીનીકરણ માટે નિર્ણય કરી આ પુલને ડિસ્મેન્ટલ કરી નવો ફોરલેન કલા ઓવરબ્રિજ બનાવવા નિર્ણય કર્યો હતો. આજે નવા બનીને તૈયાર થયેલા આ બ્રીજની પહોળાઈ ૧૬.૪૦ મીટર અને લંબાઈ ૬૦૨ મીટર કરવામાં આવી છે. અને નવા બનેલા બ્રિજમા સ્પાનની સંખ્યા ૨૦ અને એક સેન્ટ્રલ સ્પાન મળી કુલ ૨૧ સ્પાન બનાવવામાં આવ્યા છે. આ પૈકી સેન્ટ્રલ સ્પાનની લંબાઈ ૩૬ મીટર રાખવામાં આવી છે.
સાંઢિયાપુલથી થતા ફાયદા
=>દરરોજ અંદાજિત ૧ લાખ વાહનચાલકોનો સમય અને ઈંધણ બચશે
=>રાજકોટ બસપોર્ટથી માધાપર ચોકડી સુધીનું અંતર ૧૦ કિમીથી ઘટીને ૫ કિમી થશે
=> હાલ ૩૦ મિનિટ લાગતો સમય ઘટીને ૧૫ મિનિટ થશે
=> જામનગર, દ્વારકા, મોરબી અને કચ્છ તરફ જતા વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે
=> એસટી બસ અને ભારે વાહનો ફરી સીધા જામનગર રોડ પરથી દોડશે
=>શહેરની અંદર થતી ટ્રાફિક સમસ્યામાં ઘટાડો થશે
=>હોસ્પિટલ ચોકથી રેલનગર, બજરંગવાડી, શીતલપાર્ક, માધાપર, ઘંટેશ્વર, મોરબી રોડ અને ૧૫૦ ફૂટ રિંગ રોડ તરફ જવું સરળ બનશે
=>ગુજરાતની પ્રથમ AIIMS હોસ્પિટલ તરફ જતો માર્ગ ઝડપી અને મદદરૂપ બનશે
=>છેલ્લા ૨ વર્ષથી ડાયવર્ઝનના કારણે પરેશાન થતા વાહનચાલકોને રાહત મળશે.
સાંઢિયાપુલની મુખ્ય વિગતો
=> રાજકોટના જૂના એરપોર્ટ પાસે ૭૪.૩૨ કરોડના ખર્ચે ફોરલેન ઓવરબ્રિજ બનાવાયો
=> ૭ માર્ચ ૨૦૨૪ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ખાતમહૂર્ત કરાયું
=> મે ૨૦૨૪થી જૂનો પુલ બંધ કરી નવો બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ
=> ૪૬ વર્ષ જૂના ટુ-લેન પુલને તોડી ફોરલેન બ્રિજ બનાવાયો
=> નવા બ્રિજની પહોળાઈ ૧૬.૪૦ મીટર અને લંબાઈ ૬૦૨ મીટર રાખવામાં આવી
=> બ્રિજમાં કુલ ૨૧ સ્પાન બનાવાયા, જેમાં સેન્ટ્રલ સ્પાન ૩૬ મીટરનું છે
=> સ્ટ્રોમ વોટરના નિકાલ માટે બે RCC બોક્સ કલવર્ટ બનાવાયા
=> RCC વોલની લંબાઈ અંદાજે ૧૬૮ મીટર રાખવામાં આવી
=> બ્રિજ ટૂંક સમયમાં લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે