Loading Please Wait !!!
અમદાવાદના દરિયાપુરમાં મનપસંદ ક્લબ પર SMC ની રેડ, ૧૮૦ જુગારીઓ ઝડપાયા!

 

  • સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના એસપી અને ડીઆઈજી પણ મોડી રાતે સ્થળ પર દોડી આવ્યા હતા.

  • મુખ્ય સંચાલક ગામા ઉર્ફે ગોવિંદ ખોડીદાસ પટેલ પોલીસના સકંજામાં આવી ગયા છે.

  • અગાઉની રેડમાં હાઈકોર્ટનો ઓર્ડર બતાવીને ગામા બચી જતો હોવાની માહિતી સામે આવી છે.

સિટી ન્યુઝ @ અમદાવાદ

અમદાવાદ, અમદાવાદના દરિયાપુરમાં આવેલી મનપસંદ ક્લબમાં ચાલતાં હાઈપ્રોફાઈલ જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. રવિવાર બપોરથી શરૂ થયેલી આ રેડ ૨૦ કલાક વીતી જવા છતાં હજુ પણ ચાલુ છે અને પોલીસ દ્વારા આરોપીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. દરિયાપુરના વાઘજીપુરામાં આવેલી મનપસંદ ક્લબના ત્રણેય માળ પર ૩૫ થી ૪૦ ટેબલ પર જુગાર રમાઈ રહ્યો હતો, જ્યાં SMC ની ટીમે ચોક્કસ બાતમીના આધારે રેડ કરીને કુલ ૧૮૦ જુગારીઓની અટકાયત કરી છે.

આ હાઈપ્રોફાઈલ રેડ દરમિયાન SMC ના એસપી મયુર ચાવડા અને ડીઆઈજી વિશાલ વાઘેલા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ મોડી રાતે સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. મનપસંદ જીમખાનાનો મુખ્ય સંચાલક ગામા ઉર્ફે ગોવિંદ ઉર્ફે ગામો ખોડીદાસ પટેલ હોવાનું સામે આવ્યું છે, અને તેની સાથે એક નિવૃત્ત પોલીસકર્મી તથા ડિંગુચા કેસના બોબી પટેલનું કનેક્શન હોવાની ચર્ચાઓ પણ જોરશોરથી ચાલી રહી છે. અગાઉ પણ આ ક્લબમાં રેડ થઈ હતી જેમાં તે હાઈકોર્ટનો ઓર્ડર બતાવીને બચી જતો હતો, પરંતુ આ વખતે SMC ના સકંજામાં ફસાઈ ગયો છે.

એસએમસીની ટીમે કબ્જે કરેલા મુદ્દામાલમાં લાખો રૂપિયાની રોકડ રકમ, મોબાઈલ ફોન, જુગારના કોઈન અને વાહનોનો સમાવેશ થાય છે. મોટી સંખ્યામાં આરોપીઓ ઝડપાયા હોવાના કારણે એકલા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં તમામ સમાઈ શકે તેમ ન હોવાથી તેમને આસપાસના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ખસેડવામાં આવ્યા છે. અગાઉની રેડ વખતે પણ સ્થાનિક પીઆઈ અને પીએસઆઈને સસ્પેન્ડ કરાયા હતા, ત્યારે આ વખતે પણ સ્થાનિક પોલીસની મિલીભગતની શંકાના આધારે ડીજીપી દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી પૂરી સંભાવના છે.

આ ઘટનાએ સમગ્ર શહેરમાં પોલીસ તંત્ર અને બુટલેગરો તથા જુગારીઓની સાંઠગાંઠ અંગે ફરી એકવાર ગંભીર સવાલો ખડા કર્યા છે.