Loading Please Wait !!!
રૂખડીયા કોલોની : રેલવેની નોટિસ સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ


=> 70 વર્ષથી રહેતા 250 પરિવારોને 7 દિવસની નોટિસ અપાતા રોષ

=> સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ચોમાસામાં ડિમોલિશન ન કરવા માંગ

=> પરિવારોનું યોગ્ય પુનર્વસન કર્યા બાદ જ કાર્યવાહી કરવા રજૂઆત

સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં આજી નદી પાસે આવેલી રૂખડીયા કોલોનીની ઝૂંપડપટ્ટીમાં છેલ્લા 70 વર્ષથી વસવાટ કરતા 250 જેટલા પરિવારો પર બેદખલ થવાનું સંકટ તોળાઈ રહ્યું છે. પશ્ચિમ રેલવે ડિવિઝનના સિનિયર સેક્શન ઈજનેર દ્વારા આ ગરીબ પરિવારોને દબાણગ્રસ્ત જગ્યા ખાલી કરવા માટે માત્ર 7 દિવસની ટૂંકી નોટિસ ફટકારવામાં આવતા સ્થાનિકોમાં અને રાજકીય વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ ગંભીર મામલે કોંગ્રેસના આગેવાનો અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, દિલીપ આસવાણી, અશોકસિંહ વાઘેલા અને ગૌરવ પુજારાએ પશ્ચિમ રેલવે ડિવિઝનના ડીઆરએમને લેખિત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે 7 દિવસની ટૂંકી નોટિસ કાયદાને સુસંગત નથી. ગરીબ પરિવારોને પુરાવા રજૂ કરવા અને સાંભળવાની પૂરી તક આપ્યા વિના આવડું મોટું વિસ્થાપન કરવું અયોગ્ય છે. કાયદા મુજબ નોટિસમાં પર્યાપ્ત 30 દિવસનો સમય આપવો જોઈએ.

કોંગ્રેસ આગેવાનોએ સ્પષ્ટ માંગ કરી છે કે જો રેલવેના વિકાસ કામો માટે દબાણો દૂર કરવા અત્યંત જરૂરી હોય, તો કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા સાથે સંવાદ કરવો જોઈએ. આ વિસ્તારમાં દાયકાઓથી રહેતા 250 પરિવારો માટે યોગ્ય પુનર્વસનનો વિકલ્પ આપ્યા બાદ જ કોઈ ડિમોલિશનની કાર્યવાહી થવી જોઈએ.

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન: ઓક્ટોબર સુધી સમય આપો
રજૂઆતમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ટાંક આપતા જણાવાયું છે કે 15 મે થી 30 ઓક્ટોબર સુધી પ્રિ-મોન્સૂન કામગીરી અને ચોમાસાને ધ્યાને લઈ માનવીય અભિગમ અપનાવવો જોઈએ. આ સમયગાળામાં કોઈપણ નાગરિકને વિસ્થાપિત કરી શકાય નહીં. આથી આ પરિવારોને ઓક્ટોબર 2026 સુધીનો સમય આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરાઈ છે. આ રજૂઆતની નકલ મુખ્યમંત્રી, રેલવે મંત્રી, સાંસદ, ધારાસભ્ય અને કલેક્ટરને પણ મોકલવામાં આવી છે.