RTE ની મોકાણ : RTEમાં વિદ્યાર્થી દીઠ નાણાં વધારો કરવાની શાળા સંચાલકોની માંગ
» ખોટા પ્રવેશના આક્ષેપ વચ્ચે SOP કડક કરો
» RTEમાં ગેરરીતિ સિસ્ટમમાં મોટા સુધારાની જરૂર
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ખાનગી શાળાઓની ૯૩ હજારથી વધુ બેઠકો ઉપર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને RTE અંતર્ગત મફત શિક્ષણ આપવામાં આવે છે. જેમાં ૬થી ૧૪ વર્ષના બાળકો ધો. ૧થી ૮ માં અભ્યાસ કરી શકે છે. જે માટે સરકાર દ્વારા વિદ્યાર્થી દીઠ ખાનગી શાળાઓને રૂ. ૧૩,૬૭૫ આપવામાં આવે છે તેમાં વધારો કરવામાં આવે તેવી માંગણી રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે.
જેમાં FRC દ્વારા વિદ્યાર્થી દીઠ નક્કી કરવામાં આવેલી ફી અથવા સરકારને તે વિસ્તારની સરકારી શાળામાં એક વિદ્યાર્થી દીઠ થતો ખર્ચ ચૂકવવામાં આવે તેવી ડિમાન્ડ મૂકવામાં આવી છે. આ સાથે જ RTE અંતર્ગત પ્રવેશ સમયે વિદ્યાર્થી અને તેના વાલીની આર્થિક તપાસણી યોગ્ય રીતે થતી નથી. જેને કારણે ઘણા આર્થિક સમૃદ્ધ પરિવારના વિદ્યાર્થીઓ તેનો ખોટો લાભ મેળવે છે. DEO કચેરી દ્વારા પણ પગલા ન લેવામાં આવતા કડક SOP બનાવવાની માંગણી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, RTEનો કાયદો ૨૦૧૧માં આવ્યો અને ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો ૨૦૧૩થી અમલમાં આવ્યો છે. તે વખતે જ્યારે દરેક ખાનગી શાળાઓમાં RTEના વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થી દીઠ રૂ. ૧૦,૦૦0 આપવામાં આવતા હતા. તે બાદ વર્ષ ૨૦૧૭માં અમે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજૂઆત કરી કે રૂ. ૧૦,૦૦૦ની ગણતરી ગુજરાત સરકારે ક્યા આધારે કરી છે?, જે બાદ અમારી ચર્ચા વિચારણાને અંતે કોરોના કાળથી વિદ્યાર્થી દીઠ રૂ. ૧૩,૬૭૫ આપવામાં આવી રહ્યા છે. અમે તાજેતરમાં મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે તે એ છે કે વર્ષ ૨૦૧૩માં જ્યારે RTE નો કઈ આવ્યો ત્યારે FRC (ફી રેગ્યુલેશન કમિટી) ન હતી. જોકે વર્ષ ૨૦૧૭માં FRC આવ્યું અને તેમાં ખાનગી શાળાઓની ફી ગુજરાત સરકાર દ્વારા નિમાયેલી કમિટી દ્વારા નક્કી કરવામાં આવતી હોય તો હવે જ્યારે RTEના નાણા ચૂકવવામાં આવે ત્યારે જે તે સ્કૂલની FRC દ્વારા નક્કી થયેલી ફી ચૂકવવામાં આવે. આ સાથે જમીએ એ પણ રજૂઆત કરી છે કે કદાચ એફ.આર.સી.ની ગણતરી ન કરીએ તો સરકારને તે વિસ્તારમાં એક બાળક દીઠ પોતાને થતો ખર્ચ ચૂકવવામાં આવે. બે માંથી જે ઓછું હોય તે દરેક શાળાઓને વિદ્યાર્થી દીઠ ચૂકવવું જોઈએ. RTEના વિદ્યાર્થીઓ દ્વારા ચૂકવવામાં આવતી ફીને FRCમાં ગણતરીમાં લેવામાં આવતી નથી.
»9770 ખાનગી સ્કૂલોની 83678 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા થઈ હતી
»RTEમાં 5814 બાળકોને એડમિશન : હજુ 5300 બેઠકો ખાલી
»45815 વાલીઓએ સ્કૂલની પુનઃ પસંદગી ન કરતા મોટી સંખ્યામાં જગ્યા ખાલી રહી
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ધોરણ ૧માં પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઇન કેન્દ્રિય પ્રક્રિયામાં બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી કરી દેવામાં આવી છે. જેમાં અગાઉની ખાલી પડેલી ૧૧૧૫૫ જગ્યાઓમાંથી ૫૮૧૪ જગ્યાઓમાં પ્રવેશ ફાળવાયો છે. આમ બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ પણ ૫૩૪૧ જગ્યાઓ હજુ ખાલી રહી છે. ૪૫૮૧૫ વાલીઓએ સ્કૂલની પુનઃ પસંદગી ન કરતા મોટી સંખ્યા જગ્યા ખાલી રહી છે.
આરટીઈ હેઠળ ધોરણ ૧માં ખાનગી સ્કૂલોમાં ૨૫ ટકા બેઠકોમાં વિનામૂલ્યે પ્રવેશ અપાય છે. જે માટે દર વર્ષે રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાય છે. આ વર્ષે ૯૭૭૦ ખાનગી સ્કૂલોની ૮૩૬૭૮ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ બેઠકો સામે આ વર્ષે ૧૮૫૮૮૭ વાલીઓની અરજી માન્ય થઈ હતી. પહેલા રાઉન્ડમાં ૭૭૯૨૫ બાળકોને પ્રવેશ ફાળવાયા હતા. પ્રવેશ મેળવેલા બાળકોમાંથી અનેક બાળકોના વાલીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો ન હતો. જેને પગલે બેઠકો ખાલી રહી હતી. અગાઉ પહેલા રાઉન્ડના પ્રવેશ ફાળવણીમાં બેઠકો ખાલી રહ્યા બાદ વાલીએ પ્રવેશ કન્ફર્મ ન કરાવતા ખાલી રહેલી બેઠકો સાથે કુલ ૧૧૧૫૫ બેઠકો ખાલી રહી હતી. અનેક વાલીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ રદ કરાવતા ખાલી બેઠકો હતી. ૧૧૧૫૫ બેઠકો માટે બીજો રાઉન્ડ હાથ ધરાયો હતો.
આ બીજા રાઉન્ડમાં ૧૦૮૦૨૧ વાલીમાંથી ૬૨૨૦૬ વાલીએ સ્કૂલોની પુનઃપસંદગી ઓનલાઇન કરી હતી. પરંતુ ૪૫૮૧૫ વાલીએ પુનઃપસંદગી કરી ન હતી. બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી જાહેર કરી દેવાઈ છે. જેમાં ૧૧૧૫૫ જગ્યાઓમાંથી ૫૮૧૪ જગ્યાઓમાં પ્રવેશ ફાળવાયો છે. માધ્યમવાર જોઈએ તો ૩૩૫૫ ખાલી બેઠકોમાંથી ૬૨૨૦૬ જગ્યામાં, અંગ્રેજી માધ્યમમાં ૬૦૧૨ જગ્યામાંથી ૨૮૮૭ જગ્યામાં, હિન્દી માધ્યમમાં ૧૬૧૪ જગ્યામાંથી ૩૮ અને અન્ય માધ્યમમાં ૧૭૪ જગ્યાઓમાંથી ૧૧ જગ્યામાં પ્રવેશ ફાળવાયેલ છે. આમ બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ પણ હજુ ૫૮૧૪ બેઠકો ખાલી છે. જેમાં સૌથી વધુ અંગ્રેજી માધ્યમની છે.