"વડોદરાના છાણીમાં બાઈક અડાડવા જેવી સામાન્ય બાબતે લોહીની નદીઓ વહી: વૃદ્ધ લોહીલુહાણ, સામસામે ફરિયાદ"
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં ટ્રાફિકની સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે પક્ષો વચ્ચે લોહિયાળ મારામારીની ઘટના બની છે. બાઈકને ટક્કર મારવા અને સાઈડ ન આપવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં 63 વર્ષના વૃદ્ધ લોહીલુહાણ થઈ ગયા હતા. આ મામલે છાણી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદો નોંધાતા પોલીસે બંને પક્ષના ઈજાગ્રસ્તોના નિવેદન લઈ તપાસ શરૂ કરી છે.
વૃદ્ધ અને પુત્ર પર હુમલો ઘટનાની વિગત મુજબ, સ્વામીનારાયણ ટેનામેન્ટમાં રહેતા કમલેશભાઈ કાછીયા તેમના પુત્ર કૃષ્ણાને નોકરીએ મુકવા જઈ રહ્યા હતા. આશાપુરી માતાજીના મંદિર પાસે રોનક પુરોહિતની બાઈક સાથે તેમની ટક્કર થઈ હતી. કમલેશભાઈનો આક્ષેપ છે કે રોનકે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી મારામારી કરી હતી, જેમાં એક અજાણ્યો શખ્સ પણ જોડાયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધને નાક અને ખભાના ભાગે લોહી નીકળતા હાલતમાં સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા.
સામે પક્ષે યુવકનો આરોપ બીજી તરફ રોનક પુરોહિતે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેનું કહેવું છે કે તે હનુમાનજીના દર્શન કરવા જતો હતો ત્યારે કાછીયા પિતા-પુત્રએ સાઈડ માંગી હોવા છતાં જગ્યા આપી નહોતી. બોલાચાલી દરમિયાન આ બંનેએ તેને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. તબિયત લથડતા રોનકને પણ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ કાર્યવાહી તેજ આ ઝઘડો વધતો જોઈ સ્થાનિક રહીશ દીપકભાઈએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. છાણી પોલીસે હાલમાં કમલેશભાઈ અને રોનક એમ બંનેની ફરિયાદો નોંધી છે. વડોદરામાં જે રીતે રસ્તા પર નાની નાની બાબતોમાં હિંસા વધી રહી છે, તે પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના આધારે સાચું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.