RK યુનિ.ની હોસ્ટેલમાં ફીઝીયોથેરાપિસ્ટ વિદ્યાર્થીનો આપઘાત
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટની ભાગોળે ત્રંબા પાસે આવેલી આરકે યુનિવર્સિટીની હોસ્ટેલમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સહપાઠી યુવતી સાથેના પ્રેમસંબંધમાં મનદુખ થતા મૂળ પુણેના 19 વર્ષીય યુવાને હોસ્ટેલના રૂમમાં જ ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.આયુષ રુસ્તમભાઈ દરાડે (ઉં.વ. 19) આરકે યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપીના 2 જા વર્ષમાં અભ્યાસ કરતો હતો. શનિવારે મોડી રાત્રે બોયસ હોસ્ટેલ બિલ્ડીંગના સી વિંગના રૂમમાં તેણે ફાંસો ખાઈ લીધો હતો. રાત્રે તેનો અન્ય ક્લાસમેટ રૂમમાં બોલાવવા ગયો ત્યારે દરવાજો બંધ હતો. તેણે બારીમાંથી જોતા આયુષ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો.
આ અંગે તુરંત મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ અને આજીડેમ પોલીસની ટીમ દોડી ગઈ હતી. સ્થળ પર 108 ના ઈએમટીએ આયુષને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, આયુષને તેના જ ક્લાસમાં સાથે અભ્યાસ કરતી મૂળ મુંબઈની યુવતી સાથે ઘણા વર્ષોથી પ્રેમસંબંધ હતો. આ યુવતી પણ અહીં ગર્લ્સ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. પ્રેમસંબંધ દરમિયાન બંને વચ્ચે કોઈ કારણસર મનદુખ થતા આયુષે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આયુષ 2 ભાઈઓમાં નાનો હતો અને તેના પિતા પુણેની એક સંસ્થામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. પુત્રના આપઘાતની જાણ કરાતા પરિવારજનો પુણેથી રાજકોટ દોડી આવ્યા હતા. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે.
ચોટીલા લગ્નપ્રસંગમાંથી પરત ફરતા રાજકોટના યૂવકનું અકસ્માતમાં મોત
ચોટીલા નજીક મિત્રના લગ્નમાંથી પરત ફરી રહેલા રાજકોટના 6 યુવાનોની કારને ચોટીલા-અમદાવાદ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક ગંભીર અકસ્માત નડ્યો હતો. સ્વીફ્ટ કાર ડિવાઈડર સાથે અથડાતાં કાર ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય 5 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ રહેતા આ યુવાનો સ્વીફ્ટ કારમાં અમદાવાદ તરફથી રાજકોટ જઈ રહ્યા હતા. સાંગાણી ગામ પાસે રોડ પર ઢોળાયેલા ડામરના કારણે રસ્તો લપસણો બની ગયો હતો, જેના પરથી પસાર થતી વખતે કાર સ્લિપ થઈ ગઈ હતી અને સીધી ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ ગંભીર દુર્ઘટનામાં કાર ચાલક દિપેન ભરતભાઈ પરમાર નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર શૈલેન્દ્ર મહીપાલ યાદવ (ઉ.વ. 13) અને શંકર પપ્પુભાઈ યાદવ (ઉ.વ. 20) સહિત 5 યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને વાહનચાલકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માત પાછળનું કારણ જણાવતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ગત ગુરુવારે રાત્રે આ જ સ્થળે લક્ઝરી બસ અને ડામરના ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. તે સમયે રોડ પર ઢોળાયેલો ડામર યોગ્ય રીતે સાફ ન કરાતા રસ્તો ચીકણો અને લપસણો બની ગયો હતો, જે આજના આ જીવલેણ અકસ્માતનું મુખ્ય કારણ બન્યો છે.