Loading Please Wait !!!
EV બેટરીમાં બ્લાસ્ટનો ડર ખતમ, IIT ગાંધીનગરની ઐતિહાસિક શોધ

  • સ્માર્ટ ચાર્જિંગ ટેકનિકથી આગ અને લિથિયમ પ્લેટિંગનો કાયમી અંત, બેટરીનું આયુષ્ય જબરદસ્ત વધશે
  • હવામાન અને બેટરીની હેલ્થ જાતે જ ચેક કરતું ઇન્ટેલિજન્ટ સોફ્ટવેર વિકસાવાયું, બ્લાસ્ટનો ખતરો દૂર
  • IIT ગાંધીનગરના વૈજ્ઞાનિકોની નવી ચાર્જિંગ સિસ્ટમ બેટરી લાઈફ વધારશે અને આગથી 100 ટકા બચાવશે

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ઇલેક્ટ્રિક વાહન (EV) ચલાવનારાઓ માટે સૌથી ભયાનક ડર બેટરી બ્લાસ્ટ અને આગનો હોય છે, પરંતુ હવે આ ડરનો કાયમી ખાતમો બોલાવવા IIT ગાંધીનગરના વૈજ્ઞાનિકોએ એક પ્રચંડ અને ઐતિહાસિક શોધ કરી છે. વૈજ્ઞાનિકોની ટીમે એક અત્યાધુનિક 'ઇન્ટેલિજન્ટ ચાર્જિંગ' ટેકનિક વિકસાવી છે, જે ફાસ્ટ ચાર્જિંગના નામે બેટરીમાં થતા જીવલેણ ધડાકાઓને સરેઆમ રોકશે. આ સ્માર્ટ સિસ્ટમ વાહનને ચાર્જ કરતાં પહેલાં આપોઆપ હવામાન અને બેટરીની રિયલ ટાઈમ હેલ્થની કડક તપાસ કરે છે. ત્યારબાદ આ સિસ્ટમ જાતે જ નક્કી કરે છે કે બેટરીને કેટલી સ્પીડથી અને કઈ રીતે ચાર્જ કરવી 100 ટકા સુરક્ષિત રહેશે, જેનાથી આગ લાગવાની દુર્ઘટનાઓ પર કાયમી બ્રેક લાગશે.

'જર્નલ ઓફ એનર્જી સ્ટોરેજ'માં પ્રકાશિત આ હાઈ-વોલ્ટેજ રિસર્ચ મુજબ, આ નવી એડેપ્ટિવ ચાર્જિંગ સિસ્ટમ બેટરીની અંદર થતા 'લિથિયમ પ્લેટિંગ'ને જડમૂળથી ડામી દે છે. લિથિયમ પ્લેટિંગ જ તે ખતરનાક પ્રક્રિયા છે જેનાથી બેટરીની ક્ષમતા ઘટે છે અને ભયાનક આગ લાગે છે. વૈજ્ઞાનિકોની આ ક્રાંતિકારી સિસ્ટમ બેટરીની લાઈફ અને બહારના તાપમાનને પારખીને ચાર્જિંગ કરંટને પોતાની જાતે જ કંટ્રોલ કરે છે. આ અત્યાધુનિક સિસ્ટમનું માઇનસ 5 ડિગ્રીથી લઈને 25 ડિગ્રી જેવા કઠિન અને પડકારજનક તાપમાન વચ્ચે અત્યંત સફળ અને આક્રમક ટ્રાયલ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

આ ક્રાંતિકારી રિસર્ચ પ્રોજેક્ટ સાથે જોડાયેલા સંશોધક શિવ શંકર સિન્હાએ મોટો ધડાકો કરતા જણાવ્યું કે, અત્યાર સુધી ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ બેટરીને સમય પહેલા જ સાવ નબળી અને ખતરનાક બનાવી દેતી હતી. પરંતુ અમારી આ નવી ટેકનિકમાં સુરક્ષાની આખી જવાબદારી હાર્ડવેર પાસેથી છીનવીને સીધી જ ઇન્ટેલિજન્ટ સોફ્ટવેરને સોંપી દેવાઈ છે. આ સાથે પ્રોફેસર પલ્લવી ભારદ્વાજે સ્પષ્ટતા કરી છે કે આ સુપર-સ્માર્ટ સોફ્ટવેર બેટરી માટે એક કડક સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે અને ખતરનાક પરિસ્થિતિઓમાં કરંટ જાતે જ ઓછો કરીને વાહન માલિકોને 100 ટકા સુરક્ષાની ગેરંટી આપે છે.

ફાસ્ટ ચાર્જિંગ કેવી રીતે બને છે જીવલેણ?

ઇલેક્ટ્રિક વાહનોમાં ફાસ્ટ ચાર્જિંગ મોટાભાગે અત્યંત જીવલેણ સાબિત થાય છે. જ્યારે બેટરીને પૂરપાટ ઝડપે ચાર્જ કરવામાં આવે કે ભયાનક ઠંડીમાં વાપરવામાં આવે, ત્યારે બેટરીની અંદરની સપાટી પર લિથિયમ જામવા લાગે છે, જેને 'લિથિયમ પ્લેટિંગ' કહેવાય છે. આ ખતરનાક પ્રક્રિયા બેટરીનું આયુષ્ય તો ખતમ કરે જ છે, પણ સાથે જ ભયંકર બ્લાસ્ટ સર્જીને વાહનને સરેઆમ આગના ગોળામાં ફેરવી દે છે.