સપ્ટેમ્બરમાં રેકોર્ડબ્રેક બે લાખ કરોડ જીએસટી કલેકશન
-
ગયા મહિનાની તુલનાએ પંદર ટકાનો વધારો થયો
-
એપ્રિલથી સપ્ટેમ્બર અર્ધવાર્ષિક સમયગાળામાં જંગી કલેકશન
-
વિવિધ રાજ્યોમાં જીએસટી આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દેશમાં દુકાળના ડાકલાની સ્થિતિ વચ્ચે પણ સરકારને સપ્ટેમ્બરમાં તિજોરીફાડ જીએસટી કલેકશન રૂ. 2.03 લાખ કરોડ મળ્યું છે, જે ગયા મહિનાની તુલનાએ 15 ટકાનો શાનદાર વધારો દર્શાવે છે. આમ સળંગ ત્રીજા મહિને બે લાખ કરોડ રૂપિયાથી ઉપરનું જંગી જીએસટી કલેકશન પ્રાપ્ત થયું છે, જ્યારે ઓગસ્ટમાં રૂ. 1,99,853 કરોડ અને જુલાઈમાં રૂ. 2.11 લાખ કરોડનું કલેકશન નોંધાયું હતું. ચોખ્ખી જીએસટી આવક વાર્ષિક ધોરણે 18.1 ટકા વધીને રૂ. 1.76 લાખ કરોડ પર પહોંચી ગઈ છે.
ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બરના અર્ધવાર્ષિક સમયગાળામાં કુલ રૂ. 12,46,272 કરોડનું જીએસટી કલેકશન થયું છે, જે ગયા વર્ષના રૂ. 11.17 લાખ કરોડની તુલનાએ 11.6 ટકા વધારે છે. સરકારી આંકડા મુજબ સપ્ટેમ્બરમાં સીજીએસટી રૂ. 37,762 કરોડ, એસજીએસટી રૂ. 45,363 કરોડ અને આઇજીએસટી કલેકશન રૂ. 1,20,396 કરોડ થયું છે. સ્થાનિક રિફંડ વાર્ષિક ધોરણે 13.5 ટકા ઘટીને રૂ. 13,504 કરોડ થયું છે, જ્યારે એક્સપોર્ટ જીએસટી રિફંડ 10.2 ટકા વધીને રૂ. 13,497 કરોડ નોંધાયું છે.
વિવિધ મોટા રાજ્યોમાં જોઈએ તો મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બરમાં સૌથી વધુ રૂ. 29,986 કરોડ જીએસટી કલેકશન નોંધાયું છે, જેમાં 15 ટકાથી વધુનો વધારો થયો છે. કર્ણાટકમાં કલેકશન 16 ટકા વૃદ્ધિ સાથે રૂ. 13,884 કરોડ રહ્યું હતું, જ્યારે ઉત્તરપ્રદેશ, તેલંગણા અને પંજાબ જેવા રાજ્યોમાં પણ જીએસટી આવકમાં 18 ટકા સુધીનો મજબૂત વધારો જોવા મળ્યો છે. આસામમાં તો જીએસટી કલેકશનમાં 88 ટકાનો અને મણિપુરમાં 145 ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે.
ગુજરાત રાજ્યની વાત કરીએ તો, સપ્ટેમ્બર 2026માં ગુજરાત સરકારની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવક રૂ. 8,167 કરોડની થઈ છે. સપ્ટેમ્બર 2025ની તુલનાએ આ વર્ષની જીએસટી આવકમાં પૂરા 35 ટકાનો મોટો વધારો થયો છે, કારણ કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જીએસટીની આવક રૂ. 6,050 કરોડ થઈ હતી. નાણાકીય વર્ષ 2026-27ના પહેલા છ માસિક ગાળાને અંતે રાજ્યને કુલ રૂ. 49,858 કરોડની માતબર આવક પ્રાપ્ત થઈ છે.
રાજ્યમાં જીએસટી ઉપરાંત સપ્ટેમ્બરમાં વેટની આવક રૂ. 2,930 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ રૂ. 1,102 કરોડ અને વ્યવસાય વેરાના માધ્યમથી રૂ. 24 કરોડની આવક થઈ છે. આમ જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા જેવા તમામ મુખ્ય સ્ત્રોતો થકી રાજ્યને સપ્ટેમ્બર મહિનામાં કુલ રૂ. 12,222 કરોડની મજબૂત આવક થઈ છે, જે અર્થતંત્રની મજબૂતાઈ દર્શાવે છે.
આર્થિક વિકાસ અને કરવેરા આવક
દેશ અને રાજ્ય સ્તરે કરવેરાની આવકમાં થતો સતત વધારો આર્થિક ગતિવિધિઓની મજબૂતાઈ અને વેપાર-ઉદ્યોગના વિકાસની સાક્ષી પૂરે છે. પારદર્શક કર પ્રણાલી સરકારને જનકલ્યાણકારી કાર્યો માટે સક્ષમ બનાવે છે.