Loading Please Wait !!!
ગીરમાં સિંહણનો LIVE શિકાર: જીપ્સી પાછળ સંતાઈને પશુ પર કરી વીજળીક તરાપ

  • સાસણ સફારી પાર્કમાં પ્રવાસીઓ સામે સર્જાયા રૂંવાડા ઉભા કરી દેતા દ્રશ્યો; 56 સેકન્ડનો VIDEO વાયરલ
  • સિંહણે બિલ્લી પગે આવી પશુને દબોચી લીધું; પ્રકૃતિના ખોળે પ્રવાસીઓએ અનુભવ્યો થ્રિલ
  • ભાગ્યે જ જોવા મળતી શિકારની દુર્લભ ક્ષણો કેમેરામાં કેદ; સોશિયલ મીડિયા પર વીડિયોની ધૂમ

સિટી ન્યુઝ @ જુનાગઢ

એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરના જંગલમાં વન્યજીવ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે એક અત્યંત દુર્લભ અને રુંવાડા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે. સાસણ નેચર સફારી પાર્કમાં પ્રવાસીઓ જ્યારે જીપ્સીમાં સવાર થઈને સિંહ દર્શનનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે અચાનક સિંહ અને સિંહણે તેમની નજર સામે જ એક પશુનો શિકાર કર્યો હતો. સિંહણે જીપ્સીને આડ બનાવીને અત્યંત ચતુરાઈથી કરેલો આ શિકાર જોઈને પ્રવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

સામાન્ય રીતે સિંહો પોતાની પ્રાઈવસી પસંદ કરતા હોય છે અને શિકાર જેવી ઘટનાઓ માનવ વસ્તી કે પ્રવાસીઓની નજર સામે બહુ ઓછી બનતી હોય છે. વાયરલ થયેલા 56 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે સિંહણે જીપ્સી પાછળ સંતાઈને બિલ્લી પગે આગળ વધી હતી અને તક મળતા જ વીજળીક ઝડપે પશુ પર તરાપ મારી તેને દબોચી લીધું હતું. આ લાઈવ શિકાર જોઈને જીપ્સીમાં બેઠેલા પ્રવાસીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

આ લાઈવ શિકારનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાઇરલ થયો છે, જેમાં સિંહની શિકાર કરવાની અદ્ભુત પદ્ધતિ અને તેની અસીમ શક્તિના દર્શન થાય છે. વન્યજીવ પ્રેમીઓ આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખુબ શેર કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે, સિંહ દ્વારા પ્રવાસીઓની હાજરીમાં આ પ્રકારે શિકાર કરવો એ દર્શાવે છે કે તેઓ જંગલમાં કેટલા આત્મવિશ્વાસ સાથે વિચરણ કરે છે.

સાસણ નેચર સફારી પાર્ક એ વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ગીરના રાજા સિંહના દર્શન કરવા ઉમટી પડે છે. વનરાજોની ગર્જના અને પ્રકૃતિના ખોળે વસેલું આ જંગલ પ્રવાસીઓને હંમેશા એક અનોખો રોમાંચ પૂરો પાડે છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગીરનું જંગલ આજે પણ તેના કુદરતી મિજાજ અને વન્યજીવનની ભવ્યતા માટે વૈશ્વિક સ્તરે અજોડ છે.

ગીરના જંગલમાં પ્રવાસીઓ માટે આ પળ જિંદગીનું સૌથી મોટું સંભારણું બની ગઈ છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓને વન્યજીવોની સુરક્ષા અને અંતર જાળવવા માટેની સૂચનાઓનું પાલન કરવા વારંવાર અપીલ કરવામાં આવે છે, તેમ છતાં આવી કુદરતી ઘટનાઓ પ્રકૃતિપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દે છે. સાસણ સફારી પાર્કમાં સર્જાયેલા આ રોમાંચક દ્રશ્યો અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યા છે.