ગુજરાતમાં સફેદ દૂધનો કાળો કારોબાર બેફામ, ૬ મહિનામાં ૨૦,૦૦૦ લીટરથી વધુ નકલી દૂધ ઝડપાયું
-
ગુજરાતમાં સફેદ દૂધનો કાળો કારોબાર બેફામ, ૬ મહિનામાં ૨૦,૦૦૦ લીટરથી વધુ નકલી દૂધ ઝડપાયું
-
માસૂમ બાળકોના દૂધમાં કેમિકલ, યુરિયા, ડિટર્જન્ટ અને પામ ઓઈલનું જીવલેણ મિશ્રણ ખુલ્લેઆમ પીરસાઈ રહ્યું છે
-
ભેળસેળયુક્ત નકલી દૂધના સેવનથી લિવર, કિડની અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ અત્યંત વધ્યું
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગુજરાતમાં હાલ 'સબકા સાથ, સબકા વિકાસ'ના દાવાઓ વચ્ચે સામાન્ય નાગરિકો અને માસૂમ બાળકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. રાજ્યમાં સફેદ દૂધનો કાળો કારોબાર અત્યંત વ્યાપક બની ગયો છે, જેના આંકડા ચોંકાવનારા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, માત્ર ૬ મહિનાના ટૂંકા ગાળામાં જ રાજ્યમાંથી ૨૦ હજાર લીટરથી વધુ નકલી અને ભેળસેળયુક્ત દૂધ ઝડપાઈ ચૂક્યું છે. નાની વયના બાળકોના દૂધના ગ્લાસમાં આજે કેમિકલ, યુરિયા, ડિટર્જન્ટ અને પામ ઓઈલનું જીવલેણ મિશ્રણ પીરસાઈ રહ્યું છે, જે મોતના સોદાગરોની બેખોફ માનસિકતા દર્શાવે છે.
નવજાત શિશુઓ અને બાળકોના શારીરિક તથા માનસિક વિકાસ માટે અનિવાર્ય ગણાતું દૂધ આજે લિવર અને કિડનીને નષ્ટ કરવાનું મોટું હથિયાર બની ગયું છે. આ પ્રકારનું ભેળસેળયુક્ત ઝેરી દૂધ નિયમિત પીવાથી ગંભીર પોઈઝનિંગ, લિવર ડેમેજ, હૃદય સંબંધી બીમારીઓ, બ્લડ પ્રેશર અને કેન્સર જેવી જીવલેણ બિમારીઓનું જોખમ અનેકગણું વધી જાય છે. કાયદાકીય દૃષ્ટિએ 'ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬' અંતર્ગત આજીવન કેદ અને ભારે દંડની જોગવાઈઓ કાગળ પર અત્યંત મજબૂત છે, પરંતુ જમીની સ્તરે નબળી તપાસ અને કાનૂની છટકબારીઓનો લાભ લઈને દૂધ માફિયાઓ સહેલાઈથી છટકી જાય છે.
આ નકલી દૂધ બનાવવાની પદ્ધતિ પણ એટલી જ ખતરનાક છે. દૂધમાં કુદરતી ફેટ (ચરબી) દર્શાવવા માટે સસ્તા પામોલીન તેલ, સોયાબીન તેલ કે વનસ્પતિ ઘીનો મોટા પાયે ઉપયોગ થાય છે. તેને પાણીમાં ઓગાળીને અસલી દૂધ જેવું સફેદ પ્રવાહી બનાવવા માટે વોશિંગ પાવડર, લિક્વિડ સોપ કે શેમ્પૂ ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત, લેક્ટોઝ અને એસ.એન.એફ. (SNF) ની માત્રા જાળવી રાખવા માટે યુરિયા, ખાંડ, ગ્લુકોઝ અને પ્રિઝર્વેટિવ તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડ કે ફોર્માલિન જેવા અત્યંત જોખમી કેમિકલ્સ પણ ભેળવવામાં આવે છે. તંત્ર દ્વારા લેવાતા નમૂના માત્ર ઔપચારિક નાટક સાબિત થઈ રહ્યા છે, જેના કારણે ભેળસેળિયાઓના હૌસલા બુલંદ બન્યા છે.
જનસ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષા
નાગરિકોના જીવન સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના ભેળસેળિયાઓ સામે કડક દાખલારૂપ દંડાત્મક કાર્યવાહી કરવી અને બજારમાં વેચાતા દૂધની ગુણવત્તાની સતત સઘન ચકાસણી કરવી એ વહીવટી તંત્રની પ્રાથમિક જવાબદારી છે.