સાહિત્યસેતુ રાજકોટ દ્વારા કવિ રમેશ પારેખને શબ્દાંજલી અપાઈ
=> રમેશ પારેખની રચનાઓનું પઠન કરાયુ કવિઓનું સન્માન
સિટી ન્યૂઝ@રાજકોટ
મુળ અમરેલીના અને નિવૃતિ બાદ રાજકોટમાં સ્થાયી થયેલા ગુજરાતી સાહિત્યના આધુનિક યુગિના મોટા ગજાના સર્જક અને ગુજરાતી કવિ રમેશ પારેખની 21મી પુણ્યતિથીએ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલેરા પ્રેરિત સાહિત્ય સેતુ સંસ્થા રાજકોટ દ્વારા શબ્દાજંલી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કવિઓનું સન્માન કરાયું હતુ અને રમેશ પારેખની વિવિધ રચનાઓનું પઠન કરાયું હતું. આ કાર્યક્રમમાં રમેશ પારેખની લોકપ્રિય રચનાઓ, ગીતો આ મન પાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, મારા સપનામાં આવ્યા હરિ,આ શહેર તમારા મનસુબા ઉથલાવી દેશે કહેવાય નહીં, સાવરિયો રે મારો સાવરિયો, હું ને ચંદુ છાના માના કાતરીયામાં, હરીએ દઈ દીધો દેશવટો સહિતની સહિતની ૧૦ રચનાઓનું પઠન તેમજ ગાન કવિઓ વારીજ લુહાર, પ્રકાશ હાથી અને ડો.મનોજ જોશીએ કરીને શબ્દાંજલિ આપી હતી.
તેમજ કવિ મહેન્દ્ર જોશી અને નટવર આહલપરાએ રમેશ પારેખ સાથેના સંસ્મરણો તેમજ ગુજરાતી સાહિત્યમાં આપેલ મહામુલા પ્રદાન, લોકપ્રિય રચનાઓ, મળેલ પુરસ્કાર સહિતની વાતો કરીને સ્મરણાંજલિ આપી હતી. રંગભૂમિના નાટ્યવિદ કૌશિક સિંધવે રમેશ પારેખની ટૂંકી વાર્તાઓ ચાબુક વિનાની ક્ષણ, નદીનદી રતી ક્યાં, બાવને અડકવાની ભૂલનું વાચિકમ કર્યું હતું. આ કાર્યક્રમમાં મથુરાદાસ નરભરામ પારેખ ચેરીટેબલ ટ્રસ્ટના તરલાબેન મહેતા, કવિ વારીજ લુહાર, પ્રકાશ હાથી, નટવર આહલપરા, કૌશિક સિંધવ, સાહિત્ય સેતુના સંયોજક જનાર્દન આચાર્ય, અનુપમ દોશી, મહેશ પરમાર, પંકજ રૂપારેલીયા, પરિમલભાઈ જોશી, રમેશ શિશાંગીયા, જયેન્દ્રભાઈ મહેતા, વિપુલભાઈ ભટ્ટ, , વિપુલભાઈ ભટ્ટ નરેન મહેતા સહિતના મોટી સંખ્યામાં સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યાં હતાં.