રાજુલાની ધાતરવડી નદીમાં ડૂબવાથી 2 કિશોરોના મોત
=> ખાખબાઈ ગામે નદીમાં ન્હાવા પડેલા 5 પૈકી 3 નો બચાવ
સિટી ન્યૂઝ@રાજુલા : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખાખબાઇ ગામ પાસેથી પસાર થતી ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 5 કિશોરો પૈકી 2 કિશોરોના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 3 કિશોરોનો આબાદ બચાવ થયો છે. એકસાથે 2 માસૂમ બાળકોના અકાળે મોતથી સમગ્ર પંથકમાં અને પરિવારોમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. રાજુલાના 5 કિશોરો ખાખબાઈ ગામ પાસેથી પસાર થતી ધાતરવડી નદીમાં ન્હાવા માટે પડ્યા હતા. ન્હાતી વખતે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં દક્ષ રાજેશ ડોડીયા (ઉ.વ. 14, રહે. રાજુલા) અને લાલા ગાંડા પરમાર (ઉ.વ. 14, રહે. રાજુલા) ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસથી સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક મદદ માટે નદીએ દોડી આવ્યા હતા. તરવૈયાઓએ ભારે જહેમત બાદ બંને કિશોરોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક લાલા પોતાના પરિવારમાં 5 બહેનો વચ્ચે એકનો એક લાડકવાયો ભાઈ હતો. 5 બહેનોએ પોતાનો એકમાત્ર ભાઈ ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારજનોમાં ભારે કલ્પાંત છવાયો છે. ઘટનાને પગલે નદી કિનારે અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે બંને કિશોરોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.