રાજુલા પંથકમાં ડીઝલની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં, MLAને રજૂઆત
» ચોમાસા પૂર્વેના ખેતીના આગોતરા આયોજન માટે ડીઝલની તાતી જરૂરિયાત
» જૂની માંડરડી મંડળીના પ્રમુખ રમેશ વસોયાએ ધારાસભ્ય હીરા સોલંકીને પત્ર લખ્યો
સિટી ન્યૂઝ@ધર્મેશ મહેતા–રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં હાલ ખેડૂતોને ડીઝલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા પૂર્વેની તૈયારીઓ વચ્ચે ડીઝલ ન મળતા ખેતીના કામો અટકી પડ્યા છે. આ ગંભીર સમસ્યા અંગે રાજુલા તાલુકાના જૂની માંડરડી સેવા સહકારી મંડળીના પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર રમેશ વસોયા દ્વારા ખેડૂતોને ખેતીમાં ઉપયોગ માટે પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવા માંગ સાથે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને પત્ર મારફતે લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, હાલ ઉનાળુ અને શિયાળુ સીઝન પૂર્ણ થતાં ખેડૂતો ચોમાસાની સીઝનના આગોતરા આયોજન અને વિવિધ ખેતીના કામોમાં વ્યસ્ત બન્યા છે. ટ્રેક્ટર, રોટાવેટર તેમજ અન્ય ખેતીના સાધનો ચલાવવા માટે ડીઝલની સતત જરૂરિયાત રહેતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પંપો પર પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ ન થતાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને તેમના ખેતીના કામો સમયસર પૂર્ણ કરવા માટે ડીઝલ અત્યંત જરૂરી છે, તેમ છતાં ઘણી જગ્યાએ ડીઝલની ભારે અછત જોવા મળી રહી છે. ડીઝલ ન મળવાને કારણે ખેડૂતોને વારંવાર પેટ્રોલ પંપોના ધક્કા ખાવા પડે છે અને તેમના ખેતીના મહત્વના કામો અટકી પડ્યા છે.
નીચેના બ્લુ બોક્સનું લખાણ:
સમયસર ડીઝલ નહીં મળે તો ચોમાસુ ખેતી પર અસર
રમેશ વસોયાએ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, હાલ ખેતી માટેનો સમય ખૂબ જ મહત્વનો છે. ડીઝલની અછત હોવાથી ખેડૂતો માટે આ ૧ ચિંતાનો વિષય બન્યો છે. જો સમયસર ડીઝલ મળી રહે તો ખેડૂતો સરળતાથી પોતાના ખેતી કામો પૂર્ણ કરી શકે તેમ છે. જેથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને ડીઝલનો જથ્થો અનામત રાખી ફાળવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.