Loading Please Wait !!!
રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નં. 1 ખેલાડી બની

સિટી ન્યૂઝ @ રાજકોટ

રાજકોટની દિવ્યાંગ દીકરી અને પ્રતિભાશાળી ટેબલ ટેનિસ ખેલાડી ધ્વનિ શાહે પોતાની મહેનત, આત્મવિશ્વાસ અને રમત પ્રત્યેના સમર્પણના બળે ઇન્દોર ખાતે યોજાયેલી યુટીડી પહેલી પેરા રેંકિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં રમતનું શાનદાર પ્રદર્શન સાથે ગોલ્ડ મેડલ મેળવી રાજકોટનું ગૌરવ વધાર્યું છે. ગોલ્ડ મેડલ સાથે ધ્વનિ દેશની નંબર ૧ ખેલાડી બની.

ઇન્દોર ખાતે તા. ૧૨ અને ૧૩ ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટ યોજાઈ હતી. પહેલી જ વખત પેરા રેંકિંગ ટૂર્નામેન્ટ યોજાઈ હોવાથી ટૂર્નામેન્ટમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો. આત્મવિશ્વાસ સાથે ધ્વનિએ ટૂર્નામેન્ટની શરૂઆત કરી ઓરિસ્સા, દિલ્હી અને તમિલનાડુની ખેલાડીને પરાજિત કરી ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું હતું.

ફાઇનલ મુકાબલામાં ગુજરાતના ભાવનગરની સોનલ ડાભી ટકરાઈ હતી. રોમાંચક બનેલી ફાઇનલ મેચમાં ધ્વનિએ સતત શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરીને ૧૪-૧૨, ૧૧-૬ અને ૧૩-૧૧ના સ્કોર સાથે ગુજરાતની જ ખેલાડીને પરાજિત કરી મુકાબલાના પક્ષે કર્યો અને ૩-૧થી વિજય મેળવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.

ધ્વનિ શાહની આ સિદ્ધિ માત્ર એક મેડલ જીતવા પૂરતી નથી, પરંતુ તે તેની મહેનત, લગ્ન, સંઘર્ષ અને આત્મવિશ્વાસનું પરિણામ છે. દિવ્યાંગતા કોઈ પણ રીતે સફળતાના માર્ગમાં અવરોધ બની શક્તિ નથી, તે ધ્વનિએ પોતાની સિદ્ધિ દ્વારા સાબિત કરી બતાવ્યું છે. પોતાની મહેનત અને રમત પ્રત્યેના સતત સમર્પણથી ધ્વનિએ રાષ્ટ્રીય કક્ષાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

ધ્વનિની આ સફળતા રાજકોટ શહેર તેમજ સમગ્ર ગુજરાતના રમતપ્રેમીઓ માટે ગૌરવની ક્ષણ છે. તેની આ સિદ્ધિ અન્ય દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે, પરિવાર, કોચ અને શુભેચ્છકોના પ્રોત્સાહન સાથે અગાઉ પણ રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાએ મેડલ મેળવનાર ધ્વનિ ભવિષ્યમાં પણ વધુ ઊંચી સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.