રાજકોટની યૂવતિએ પતિના અફેર સાસરિયાના ત્રાસથી આપઘાત કર્યો
=> યૂવતિના પરિવારે ન્યાય માટે પોસ્ટ વાયરલ કરી
સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. પતિના અન્ય યુવતી સાથેના પ્રેમસંબંધ અને સાસરિયાઓના અસહ્ય શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને એક નવપરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મૃતકની ન્યાય માટેની પોસ્ટ વાયરલ થયા બાદ ભાઈએ પોલીસમાં 3 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આણંદ રહેતા કેતનભાઈ જગદીશભાઈ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની બહેનના લગ્ન રાજકોટની ખોડલધામ સોસાયટીમાં રહેતા અજય સાથે થયા હતા. લગ્નના 2 કે 3 દિવસ બાદ જ બહેનને જાણ થઈ ગઈ હતી કે તેના પતિનું અન્ય યુવતી સાથે અફેર ચાલી રહ્યું છે. જ્યારે પરિણીતાએ આ બાબતે વિરોધ નોંધાવ્યો ત્યારે સાસરિયાઓએ સુધરવાને બદલે એકસંપ થઈને તેની પર અત્યાચાર ગુજારવાનું શરૂ કરી દીધું હતું.
ફરિયાદમાં પતિ અજય, સસરા ભેરુભાઈ અને સાસુ મોહિનીને આરોપી દર્શાવવામાં આવ્યા છે. અફેરની વાત બહાર ન આવે તે માટે પરિણીતાને સતત મેણા-ટોણા મારીને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. લગ્નના થોડા દિવસો બાદ શરૂ થયેલો આ અમાનુષી ત્રાસ 14/05/2026 સુધી ચાલુ રહ્યો હતો.
આખરે પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધો અને રોજ-રોજના શારીરિક-માનસિક દુખથી હારી જઈને પરિણીતાએ ખોડલધામ સોસાયટી સ્થિત પોતાના સાસરે જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. બી ડિવિઝન પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.