જ્યુબેલી માર્કેટ વિવાદ 29 કરોડના ટેન્ડર સામે રોષ
=> વેપારીઓએ મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખને રજૂઆત કરી ટેન્ડર રદ કરવા માંગ કરી
=> ભાજપ પ્રમુખ માધવ દવે અને અશ્વિન મોલિયાએ માત્ર મરામતની જરૂરિયાત હોવાનું સ્વીકાર્યું
=> સિટી એન્જિનિયરને નવો રિપોર્ટ આપવા આદેશ, માર્કેટ ખાલી કરવાની નોટિસ રદ કરવા માંગ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક જ્યુબેલી શાકમાર્કેટ ભાગ-1 અને 2 ના 29 કરોડના ખર્ચાળ નવીનીકરણના ટેન્ડરનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. માર્કેટમાં માત્ર સામાન્ય રિનોવેશનની જરૂર હોવા છતાં અને વેપારીઓને વિશ્વાસમાં લીધા વિના જ ટેન્ડર મંજૂર કરી દેવાતા વેપારી મંડળમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વેપારીઓએ માર્કેટ ખાલી કરાવવાની નોટિસનો પણ સખત વિરોધ કર્યો છે.
આ ગંભીર મુદ્દે જ્યુબેલી શાકમાર્કેટ ભાગ-1 અને 2 વેપારી મંડળ દ્વારા સીધા મુખ્યમંત્રી કાર્યાલય (CMO) અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને લેખિત રજૂઆત કરવામાં આવી છે. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે જાહેર નાણાંનો બિનજરૂરી વ્યય થઈ રહ્યો છે અને વેપારીઓના હિતની સંપૂર્ણ અવગણના કરાઈ છે. તેમણે 16 મે 2026 ના રોજ એસ્ટેટ શાખા દ્વારા અપાયેલી માર્કેટ ખાલી કરવાની નોટિસ અને 29 કરોડનું ખર્ચાળ ટેન્ડર તાત્કાલિક રદ કરવા રાજ્ય સ્તરે હસ્તક્ષેપની માંગ કરી છે.
વેપારીઓના આક્રોશ વચ્ચે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે અને પૂર્વ મેયર અશ્વિન મોલિયાએ દરમિયાનગીરી કરી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જ્યુબેલી માર્કેટ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે અને ત્યાં નવું માર્કેટ બનાવવાને બદલે માત્ર મરામતની જ જરૂરિયાત છે. નેતાઓએ સિટી એન્જિનિયર રાવલને ટેકનિકલ ટીમ સાથે ફરીથી માર્કેટની મુલાકાત લઈ યોગ્ય રિપોર્ટ આપવા અને માત્ર જરૂરી રિનોવેશન જ કરવા કડક સૂચના આપી છે.
માંગ નહીં સંતોષાય તો ઉગ્ર જનઆંદોલનની ચીમકી
જ્યુબેલી શાકમાર્કેટના વેપારીઓએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ મુદ્દો માત્ર માર્કેટના રિનોવેશનનો નથી, પરંતુ નાના વેપારીઓના જીવન અને રોજગાર સાથે જોડાયેલો છે. જો બિનજરૂરી અને ખર્ચાળ બાંધકામ રદ કરી માત્ર જરૂરી રિનોવેશન કરવાનો ન્યાયસંગત નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વેપારીઓ પોતાનો વેપાર-ધંધો બંધ રાખી રસ્તા પર ઉતરી વ્યાપક જનઆંદોલન કરવા મજબૂર બનશે.