રાજકોટ શરમાયું : 16 વર્ષનો સગીર 6 બાળકોની માતા સાથે ભાગી ગયો
=> વોટર પાર્કમાંથી નીકળતી વખતે સગીરે તમે બધા ઘરે જાઓ, હું રિક્ષામાં આવી જઈશ તેમ કહી ઘર નજીક રહેતી છ સંતાનની માતા સાથે નીકળી ગયો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના જામનગર રોડ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 16 વર્ષીય સગીર મિત્રો અને નાના ભાઈ સાથે મુંજકા ગામ પાસે આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં નહાવા ગયા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ શરૂઆતમાં સગીર અગાઉની જેમ એકાદ-બે દિવસમાં પરત આવી જશે તેવી આશા રાખી હતી, પરંતુ 12 દિવસ વીતી જવા છતાં કોઈ ભાળ ન મળતા આખરે ગભરાયેલા પિતાએ ગાંધીગ્રામ-2 (યુનિ.) પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. દરમિયાન સગીર ઘર નજીક રહેતી છ સંતાનની માતા સાથે નીકળી ગયો હોવાની માહિતી ખુદ તેના પિતાએ પોલીસને આપી છે.
આ બનાવમાં, જામનગર રોડ પર દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે મનહરપુર વિસ્તારમાં રહેતા 40 વર્ષીય આધેડે પોલીસને જણાવ્યું હતું કે, તેમનો 16 વર્ષીય પુત્ર ગત 7 મેના રોજ નાના ભાઈ અને શેરીના અન્ય છોકરાઓ સાથે મુંજકા ગામે આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં નહાવા ગયો હતો.
સાંજે આશરે છ વાગ્યે નાનો ભાઈ ઘરે પરત ફર્યો ત્યારે તેણે પરિવારને જણાવ્યું હતું કે, વોટર પાર્કમાંથી નીકળતી વખતે સગીરે તમે બધા ઘરે જાઓ, હું રિક્ષામાં આવી જઈશ તેમ કહ્યું હતું.
નાના ભાઈએ સાથે આવવા કહેતા બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને બાદમાં સગીર એકલો જતો રહ્યો હતો. પિતાના જણાવ્યા અનુસાર, પરિવારને બાદમાં જાણ થઈ હતી કે સગીર ઘર નજીક રહેતી છ સંતાનની માતા સાથે નીકળી ગયો છે.
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે. પિતાએ પોલીસને એ પણ જણાવ્યું હતું કે, સગીર અગાઉ પણ બે-ત્રણ વખત આ જ રીતે ઘરેથી નીકળી ગયો હતો.