દુષ્કર્મ કેસમાં `ઢીલાઢફ' 2 PI, 1 PSI સહિત 4 સસ્પેન્ડ
=> 2024ના કેસમાં આરોપી પકડાય તે પહેલા જ ફરિયાદીની હત્યા
=> રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની કાર્યવાહીથી પોલીસ બેડામાં ફફડાટ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના એક ગામમાં દુષ્કર્મ કેસમાં ફરિયાદીની હત્યા બાદ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2024માં સગીરા પર દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાયા બાદ પણ બે આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા. પોલીસ આરોપીઓ સુધી પહોંચે તે પહેલા જ દુષ્કર્મના ફરિયાદીની હત્યા કરી નાખતા પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા છે. ત્યારે નિર્લિપ્ત રાય દ્વારા દુષ્કર્મ અને પોક્સો કેસની તપાસમાં બેદરકારી દાખવનારા 2 તત્કાલીન PI, 1 PSI અને 1 ASIને સસ્પેન્ડ કરી દીધા છે.2024માં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર ત્રણ શખ્સો સામે પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી આ પ્રકરણમાં એક આરોપી અજયસિંહની ધરપકડ કરવામાં આવી હતી જયારે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ યશપાલસિંહ અને મહેન્દ્રસિંહ બંને નાસી છૂટ્યા હતા
આ કેસ 2024નો હતો છતાં આરોપી પકડાયા ન હતા તે દરમિયાન ઉપરોક્ત બંને આરોપીઓ વારંવાર ફરિયાદી એવા યુવરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાને સમાધાન કરવા માટે ધમકી આપતા હતા પરંતુ ફરિયાદીએ સમાધાન નહિ કરતા અંતે બુધવારે રાત્રે ફરિયાદી યુવરાજસિંહને દુષ્કર્મના કેસમાં વોન્ટેડ બંને આરોપી યશપાલસિંહ અને મહેન્દ્રસિંહએ છરીના ઘા ઝીકી ફરિયાદીને મોતને ઘાટ ઉતારી દીધા હતા દુષ્કર્મના કેસમાં વોન્ટેડ બેલડીએ હત્યાને અંજામ આપતા ચકચાર મચી ગઈ હતી દરમિયાન 2024ના દુષ્કર્મના કેસમાં બેદરકારી દાખવનાર સામે રેન્જ આઇજીએ આકરી કાર્યવાહી કરી છે નિર્લિપ્ત રાયએ પડધરી પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઇ એચ.એન. રાઠોડ, તત્કાલીન પીઆઇ એસ.એન. પરમાર, પીએસઆઈ જે.જે. વાળા અને એએસઆઈ ભગીરથસિંહ જાડેજાને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો છે રેન્જ આઇજીની આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.