રાજકોટ પોલીસ સ્ટેશનથી 500 મીટરે ચાલતો સેક્સ રેકેટનો પર્દાફાશ
- હોટેલ ફ્લોરા-ઈન પર દરોડા 6 યૂવતિ 6 ગ્રાહકો કઢંગી હાલતમાં ઝડપાયા
સિટી ન્યૂઝ@રાજકોટ : શહેરમાં દેહવ્યાપારના વધી રહેલા દૂષણ વચ્ચે પોલીસે વધુ એક કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે લાખાજીરાજ રોડ પર આવેલી 'હોટેલ ફ્લોરા ઇન'માં પોલીસે દરોડો પાડી લોહીનો વેપલો કરી રહેલી મહિલા સંચાલિકાને ઝડપી પાડી છે જયારે તેના ભાગીદારની શોધખોળ હાથ ધરી છે.સ્થળ ઉપરથી ૧,૩૩,૦૦૦ રોકડ, એક મોબાઈલ , નિરોધના ૧૩ પેકેટો મળતા કુલ રૂ.૧,૪૩,૨૭૫ નો મુદામાલ કબજે કર્યો છે
એ-ડિવિઝન પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે પીઆઈ જે. વી. વાઢિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ. એમ. રાણા હેડ કોન્સ્ટેબલ કરણભાઈ વિરસોડીયા અને કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ખાંડેખાને ચોક્કસ બાતમી મળી હતી કે, બાપુના બાવલા પાસે આવેલી હોટેલ ફ્લોરા ઇનમાં મહેઝબીન ઉર્ફે માયા નામની મહિલા લલનાઓ રાખી દેહવ્યાપાર કરાવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે હોટેલમાં દરોડો પાડ્યો હતો.પોલીસે જ્યારે હોટેલના રૂમો તપાસ્યા ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. રૂમ નંબર 105, 202, 203, 204 અને અન્ય બે રૂમોમાંથી દિલ્હી, દહેરાદૂન અને મહારાષ્ટ્રના ભાયંદરની યુવતીઓ વાંધાજનક હાલતમાં ગ્રાહકો સાથે મળી આવી હતી. પકડાયેલા ગ્રાહકો રાજકોટના શક્તિ સોસાયટી, મોરબી રોડ અને 150 ફૂટ રિંગ રોડ જેવા વિસ્તારોના રહેવાસી હોવાનું ખુલ્યું છે. આ ગ્રાહકો પટેલ, મોચી અને પતરિયા જ્ઞાતિના હોવાનું જાણવા મળે છે
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, હોટેલ સંચાલક મહેઝબીન ઉર્ફે માયા ઉર્ફે નિકીતા હરેશભાઈ કાકડિયા (રહે. ભાડલા ભંડારીયા, જસદણ) ગ્રાહકો પાસેથી રૂ. 2000 વસૂલતી હતી. તેમાંથી તે લલનાઓને માત્ર રૂ. 500 આપતી હતી અને બાકીના રૂ. 1500 પોતે અને તેનો ભાગીદાર રાખતા હતા.
પડોશમાં ચાલતા સેક્સરેકેટની દોઢ મહીને જાણ થઇ
તપાસમાં જાણવા મળ્યું છે કે, મહેઝબીનનો ભાગીદાર રિઝવાન છે, જેણે દોઢ મહિના પહેલા આ હોટેલ રાખી હતી. આ પૂર્વે પણ મહેઝબીન ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી જ પ્રવૃત્તિમાં ઝડપાઈ ચૂકી છે. પોલીસે હાલમાં લલનાઓ અને ગ્રાહકોને સાક્ષી બનાવી મહેઝબીન વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, જ્યારે ફરાર રિઝવાનની શોધખોળ શરૂ કરી છે.