Loading Please Wait !!!
રાજકોટીયન્સનો જીવ જોખમમાં 4 મહિનામાં અકસ્માતમાં 35નાં મોત!

  • ઘરેથી નીકળો એટલે જોખમ; જીવનો ભરોસો નહીં
  • 124 ગંભીર અકસ્માતમાં 90 થી વધુ ઘાયલ : આજીવન ખોટખાપણ રહી ગઈ
  • રાજકોટના રસ્તા બન્યા મોતનો માર્ગ !
  • રાજકોટનો કુવાડવા રોડ ડેન્જર ઝોન જાહેર !

અકસ્માતોના મુખ્ય કારણો

  • ઓવરસ્પીડિંગ અને બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ
  • નિયમોનો ભંગ (સિગ્નલ તોડવું, હેલ્મેટ ન પહેરવું)
  • શહેરમાં વધતો ટ્રાફિક અને સતત જામ
  • રોડની ખરાબ હાલત અને પૂરતી સુવિધાઓનો અભાવ
  • મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને વાહન ચલાવવું
  • અનુભવહીન અને સગીર ડ્રાઈવરો

અકસ્માત રોકવા માટેના ઉપાયો

  • કડક ટ્રાફિક નિયમોનો અમલ અને દંડની વ્યવસ્થા
  • મુખ્ય સ્થળોએ વધુ ટ્રાફિક પોલીસની તૈનાતી
  • રોડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા
  • ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવવું
  • CCTV અને ઈ-ચલાન સિસ્ટમનો વધુ ઉપયોગ
  • જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવું

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ શહેરમાં છેલ્લા પાંચ મહિનામાં માર્ગ અકસ્માતોની સંખ્યા ચિંતાજનક રીતે અને ભયાવહ રીતે વધી રહી છે. આ માત્ર આંકડા નથી, પરંતુ અનેક પરિવારો માટે કાયમી પીડા બની ગયા છે. આ સમયગાળા દરમિયાન કુલ ૧૨૪ જેટલા ગંભીર અકસ્માતોના બનાવો નોંધાયા છે. આ દુર્ઘટનાઓમાં ૩૪ જેટલા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે ૯૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ પૈકી અનેક ઘાયલો આજે પણ સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, જ્યારે કેટલાય લોકોએ હાથ-પગ કે આંખ ગુમાવીને આજીવન ખોટખાપણનો સામનો કરવાનો વારો આવ્યો છે. એક નાની બેદરકારી અનેક પરિવારોને માતમમાં ફેરવી રહી છે.

શહેરના મુખ્ય માર્ગો, જેમ કે ૧૫૦ ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, ગોંડલ રોડ અને કુવાડવા રોડ પર ટ્રાફિકનો ભાર દિવસેને દિવસે કલ્પના બહાર વધી રહ્યો છે. વાહનોની સતત વધતી જતી સંખ્યા અને બેફામ ડ્રાઈવિંગના કારણે ટ્રાફિક જામ હવે કોઈ નવી વાત નથી રહી, પણ એક રોજિંદી અને ત્રાસદાયક સમસ્યા બની ગઈ છે. નાગરિકો માટે રોજિંદા વાહન વ્યવહાર અત્યંત મુશ્કેલ અને જોખમી બની ગયો છે. સવારે ઘરેથી નોકરી કે ધંધાર્થે બહાર નીકળ્યા પછી સાંજે પરિવાર પાસે સલામત ઘરે પરત ફરવાની ચિંતા લોકોના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. ઘરનો મોભી બહાર ગયો હોય ત્યારે પાછળ પરિવારજનો સતત ફફડાટમાં રહેતા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

સ્થાનિક સ્તરે બેફામ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવું, ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ અને ટ્રાફિક વ્યવસ્થાપનનો સદંતર અભાવ જેવા કારણો આ જીવલેણ અકસ્માતોની પાછળ મુખ્ય જવાબદાર માનવામાં આવી રહ્યા છે. રસ્તાઓ પર કોઈનો ડર ન હોય તેમ દોડતા વાહનો મોતનું તાંડવ રચી રહ્યા છે. ટ્રાફિક અને રોડ સેફ્ટી નિષ્ણાતોનું ગંભીર ચેતવણી આપતા કહેવું છે કે જો પ્રશાસન દ્વારા સમયસર અને કડક પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર અને બેકાબૂ બની શકે છે, અને રાજકોટની ઓળખ એક અસુરક્ષિત શહેર તરીકે ઊભી થઈ શકે છે.